અશોકા અને મૈસુરના ઢોસા ભાવનગરની બહાર પણ યાદ થતાં હોય છે

સોસાયટીમાં તાજેતરમાં એક કુટુમ્બ ભાવનગરથી રહેવા આવ્યું. વાતચીત દરમિયાન તેમના પત્નિએ પ્રથમ પ્રશ્ન એ કર્યો કે, અહીંયા સારા ઢોસા અને ઈડલી ક્યાં મળે ? મેં કહ્યું, ઘણી હોટલો છે. તો કહે એમ નહી, હોટલો તો હોય પણ આપણા ભાવનગરના અશોકા અને શેટ્ટી મૈસુર કાફે જેવા સ્વાદિષ્ટ, તીખા તમતમતા સ્વાદ અને ગરમ ગરમ રસમવાળા અને નાળીયેરની ચટણી ધરાવતા. મને થયું કે ઢોસા તો બધે જ સરખા હોય તો આ બહેન આવો આગ્રહ કેમ રાખે છે કે અસલ ભાવનગર જેવા જ. પણ પછી તેમણે ફોડ પાડ્યો, તમે તો અહીંયા રહો છો એટલે તમને એ ખબર નહી પડે પણ છેલ્લા સીત્તેર વર્ષથી અશોકા અને મૈસુર ભાવનગરને ઢોસા ખવરાવે છે.

તમે ગણી જુઓ કેટલો અનુભવ હશે ઢોસા અને તેના રસમ અને ચટણી બનાવાનો.? બહેને વધારે પૂર્તતા કરતા કહ્યું કે, હું માજીરાજ ગર્લ્સ સ્કૂલમાં ભણતી હતી ત્યારથી આ બે જગ્યાએ ઢોસા ખાવા જાઊં છું એટલે મારો ઢોસા ખાવાનો અનુભવ પણ વિશાળ છે. અને મને થયું કે બહેનની વાત સાચી છે, અશોકા અને મૈસુરે ભાવનગરવાસીઓને સાઉથ ઈંડિયન વાનગી ખાતા કર્યા અને શીખવાડ્યું પણ ખરું !

ઢોસા આમ તો કર્ણાટકના મેંગલોર પાસેના ઉડુપિ વિસ્તારની સમગ્ર વિશ્વમાં પ્રચલિત બનેલી વાનગી છે.ઉડુપિ, કર્ણાટકની બહાર ઢોસા નિકળ્યા 1930 માં જ્યારેમુંબઈના માટુંગા વિસ્તાર જ્યાં દક્ષિણ ભારતીય લોકોની વસતિ ખુબ હતી તેમણે મદ્રાસ હોટલના નામથી ઢોસા બનાવાનું શરૂ કર્યુ અને ત્યાથી 1950 માં દિલ્હીની અંદર સરકારી કચેરીઓમાં દક્ષિણ ભારતીય લોકોનું આગમન થયું. પરિણામે દિલ્હીના કોનોટ પેલેસ વિસ્તારમાં ઢોસા બનાવતી હોટલો શરૂ થઈ. અલ્બત્ત, ત્યારે બહુ ચલણ ન હતું અને દિલ્હીના પંજાબીઓને ઢોસા હલકો-ફૂલકો ખોરાક લાગતો.

ઢોસાની અનેક વરાયટી આજે બનવા લાગી છે. મોટા શહેરોમાં સાદા, મસાલા, ઑટ, સેત, પનીર,પાલક, સોયા,ગ્રીન, વ્હાઈટ, માયસોર મસાલા, ઓનિયન રવા, રાગી, રવા, રવા મસાલા, બટર, ગાર્લિક ચીઝ એવી અનેક સ્વાદભરેલી ઢોસાની બનાવટો આવી ગઈ છે. પણ દેશમાં સૌથી વધારે ખવાતા ઢોસા રે મસાલા ઢોસા. આ ઢોસામાં બટાકાની સબ્જી મસાલા સાથે ભરવામાં આવે છે અને તેથી લોકોને ઢોસા સાથે બટાકા નો સ્વાદ મળે છે. આ મસાલા ઢોસાથી પેટ ભરાઈ જતું હોવાથી તેની લોકપ્રિયતા એટલે છે. ઢોસાની સાથે સંભાર, રસમ, દાળ અને ચટણી જે કંઈ તમે કહો તે આપવામાં આવે છે. એક ઢોસાની સાથે ચાર કે પાંચ વાટકા સંભાર પીવાવાળા પણ છે.
ઢોસાની ઉત્પતિ ક્યારે થઈ તેના પર બહુ ચર્ચાઓ અને લેખ લખાયેલા છે પણ માન્ય ગણી શકાય તેવું એક પુસ્તક છે ‘ઓરિજીન ઑવ ઢોસા’ તેના લેખક પેટ ચેપમેન, લીઝા રેયનર અને થંગપ્પા નાયર છે. પુસ્તકમાં અનેક સંષોધનો કરી ઢોસાની વ્યુતપ્તિ ઉપર ખુબ છણાવટ કરવામાં આવી છે. આ લેખકોના મતે ઢોસાનું જન્મસ્થાન કર્ણાટકમાં આવેલ ઉડુપિ છે. અને આથી જ મુંબઈના રેસ્તુંરા ઉડુપિ તરીકે ઓળખાય છે.

ભાવનગરમાં અશોકા અને મૈસુર જેવા અનેક રેસ્તુંરા મદ્રાસી વાનગી બનાવતા થઈ ગયા છે પણ અત્યારે તેમાં સૌથી વધુ લોકપ્રિય રેસ્તુંરા નહી પણ ઢોસાની એક લારી છે જે રબર ફેકટરીથી માધવદર્શન જવાના રોડ પર આવેલી છે. ભાવનગર માં જો ઔથેન્ટિક સાઉથ ઇન્ડિયા વાનગી ખાવી હોય તો આ જગ્યા ઉત્તમ છે. મુરલીના ઢોસા તરીકે ઓળખાતી આ જગ્યાએ લગભગ 5 વરસના ટૂંકા ગાળામાં ખૂબ નામ કમાયું છે.

મુરલી ને ત્યાં ઢોસા ની ઘણી વૈરાઈટી મળે છે. પણ અહીંના મૈસુર મસાલા ઢોસા એની સ્પેશિયલ આઈટમ છે. ઢોસા ઉપર અસલી સાઉથ ની ચટણી અને ડુંગળી, ટામેટા અને કોથમીરથી સજાવટ વાળો આ ઢોસા અદભુત છે. તેનો સ્વાદ બેનમૂન છે અને સાથે અપાતી આંબલી, ડુંગળી સને ટામેટા ની ચટણી ની કોઈ સરખામણી નથી. રબર ફેક્ટરી સરકલ પાસે આ મુરલી ની રીક્ષા ઉભી હોય છે દરરોજ 6 વાગ્યા થઈ જ્યાં સુધી માલ ખાલી નો થાય ત્યાં સુધી આ અદભુત ઢોસા ના સ્વાદનો ચટકો માણી શકો છો. ભાવનગરના પેલા બહેનને આ મુરલીના ઢોસાની ખબર જ ન હતી !

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *