આઝાદી ની લડાઈ મા ભાગ લેનાર અડગ સત્યાગ્રહી કોળી પાંચા કાકા ને કૉઈ કેમ નહી ઓળખતુ હોય ???
કરાડી-મટવાડમાં ‘પાંચા કાકાની કુટી૨’ માં લઈ જઈને અમને મોહનલાલ કોળી પટેલે પાંચાકાકા વિષે માહિતી આપી. આમતો પાંચા કાકા શહીદ થયા નહોતા, પણ, દેશભક્તિની પ્રેરણા આપનાર દેશના એક માત્ર અડગ સત્યાગ્રહી હતા.
વામપંથી અસામાજિક તત્વોને કોળી સમાજના દેશભક્તિના ઈતિહાસની સાબિતી આપતા કોળી સત્યાગ્રહીના એક માત્ર સ્મારક વિશે ટૂંકી અને સત્ય જુબાની આપતા શ્રી મોહનલાલ કોળી પટેલે માહિતી આપી કે…
આ સ્ટેચ્યું જેનું છે તે, સ્વ.શ્રી પાંચાભાઈ દાજીભાઈ કોળી પટેલ ઉર્ફ પાંચા કાકાની જન્મતારીખ તો કોઈને યાદ નથી, ફકત જન્મ સાલ યાદ છે, ઈ,સ, ૧૮૭૬ ની સાલમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં પાંચા કાકાનો જન્મ થયો હતો. પાંચા કાકાના બાપ-દાદા દરિયાઈ વહાણવટુ અને ખેતી કરતા હતા. પાંચા કાકા ખેતી કરવા કરાડી ગામે રહેવા આવ્યા હતા. ખેતીની સાથે સાથે દાંડીના દરિયામાં વહાણવટુ અને દાંડીના દરિયા કિનારે મીઠું પકવવાનું કામ પણ કરતા હતા.
મીઠાનો કાળો કાયદો આવતા મીઠું પકવતા પાંચા કાકાએ અંગ્રેજ શાસન સામે બંડ પોકાર્યું. કાંઠા વિસ્તારના કોળી પટેલ સમુદાયે પાંચા કાકાને સાથ સહકાર આપ્યો. શૂરવીર અને દેશદાઝ વાળા કોળી સમુદાય ઉપર ગાંધીજીને પણ અતૂટ વિશ્વાસ હતો. કોળી સમાજના બાહુબળ ઉપર જ ગાંધીજીએ કરાડી-મટવાડમાં રહીને અંગ્રેજો સામે ઈ.સ.૧૯૩૦માં દાંડીકૂચ કરી. ગાંધીજીએ કરાડી-મટવાડ અને આસપાસના ગામના કોળી વીરોના સહકારથી તા.૦૫/૦૪/૧૯૩૦ના રોજ દાંડીના દરિયાકિનારે મીઠું પકવીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આ સમયે પાંચા કાકા ગાંધીજીની સાથે ખડે પગે હતા. આઝાદીની આ લડતમાં પાંચા કાકાએ તમામ વિલાયતી વસ્તુનો બહિસ્કાર કર્યો હતો.
પાંચા કાકાએ અસલી સ્વરાજ ન મળે ત્યાં સુધી ભૂમિકર નહીં ભરવાની અડગ પ્રતિજ્ઞા લીધી હતી. આમતો બારડોલી સત્યાગ્રહ શરૂ થતી. ઘણા સત્યાગ્રહીઓએ ભૂમિક૨ ન ભ૨વાની વાતો કરી હતી, પણ , બા૨ડોલી સત્યાગ્રહ બંધ રહેતા ભધા સત્યાગ્રહીઓએ ભૂમિ કર ભરી દીધો અને પોત પોતાની જમીન બચાવી રાખી,
ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના કહેવા છતાં પાંચા કાકા પોતાની પ્રતિજ્ઞા ૫૨ અડગ રહ્યા અને ભૂમિકર ના ભર્યો તો ના જ ભર્યો, ભૂમિકર ન ભરવાની અડગ પ્રતિજ્ઞાથી પાંચા કાકા પાસે રહેલી, તેમની માલિકીની બે વીઘા જમીન અંગ્રેજ સરકારે જપ્ત કરી લીધી હતી.
જમીન વિહોણા પાંચા કાકા ચરખો ચલાવી ખાદી કાંતતા હતા. ખાદીનું વેચાણ કરી જીવન નિર્વાહ કરતા અને સ્વદેશી ચળવળને વેગ આપતા હતા. ખાદી અને સ્વદેશી વસ્તુના વેચાણની અગવડ ના પડે તે માટે પાંચા કાકાએ પોતાનું ઘર પણ દેશને અર્પણ કરી દીધું. પાંચા કાકાના ઘરને ‘ખાદી. કુટીર’ નામ આપવામાં આવ્યું. ખાદી કુટીરની બધી વ્યવસ્થા શ્રી દિલખુશભાઈ દિવાનજી સંભાળતા હતા.
ઈ.સ. ૧૯૩૬-૩૭ માં ક્રોંગ્રેસ મહાસમિતિ સત્તા પર આવી. મુંબઈ પ્રાંતમાં મંત્રીમંડળ બન્યું. આ મંત્રીમંડળમાં શ્રી મોરારજીભાઈ દેસાઈ મહેસુલ મંત્રી બન્યા. શ્રી મોરારજીભાઈ દેસાઈએ પંદર વર્ષથી અંગ્રેજો પાસે રહેલી પાંચા કાકાની જમીન પાંચા કાકાને પ૨ત અપાવી. પરંતુ, પાંચા કાકાએ પોતાની પ્રતિજ્ઞા શ્રી મોરારજીભાઈ દેસાઈને યાદ કરાવતા કહ્યું કે ‘જમીન તો મળી, પણ, સ્વરાજ કયાં મળ્યું છે.’
પાંચા કાકા સ્વરાજ વગર જમીનનો કર નહીં ભરવાની પ્રતિજ્ઞા પર અડગ રહેતા જમીનનું શું કરવું તે કોંગ્રેસને સમજાતું નહોતું. આખરે પાંચા કાકા એ જ ઉપાય શોધી કાઢયો. પાંચા કાકાએ પોતાની જમીન પણ, ખાદી કુટીર કર ભરશે તેવી શરત કરીને ખાદી કુટીરને દાન કરી દીધી. ધન્ય છે ધરતીના ધણી, માંધાતા વંશજ, દાનવીર પાંચા કાકાને અને ધન્ય છે કોળી વીરની અડગ પ્રતિજ્ઞાને.
દાંડીકૂચ, બારડોલી સત્યાગ્રહ, સવિનય કોનુન ભંગ, હિંદ છોડો જેવા તમામ જંગમાં પાંચા કાકાના અથાક સંઘર્ષની વાતો તો ઘણી છે. સમયા સમયની વાતો છે. સમય સમયનું કામકરતો રહ્યો. વર્ષો વીતી ગયા.
ઈ.સ. ૧૯૪૬ માં જયારે સ્વરાજ મળવાનો સમય પાકી ગયો ત્યારે દેશના આગેવાનોએ ફરી વાર પાંચા કાકાને જમીન પાછી લેવા સમજાવ્યા. તે સમયે પાંચા કાકાએ તળપદી ભાષામાં જવાબ આપ્યો કે હજી સગાઈ થઈ છે. લગ્ન તો થવા દો’. એ સમય પણ આવી ગયો.
ઈ.સ. ૧૯૪૭ માં અંગ્રેજો ભારત છોડી ચાલ્યા ગયા. કરાડી મટવાડમાં પાંચા કાકાના હાથે સ્વતંત્રતાનો ત્રિરંગો લહેરાવામાં આવ્યો. હવે તો સ્વરાજ મળી ગયું, તમારી જમીન હવે તો પાછી લઈ શકાય ને ‘ – દેશના નેતાઓએ પાંચાકાકાને ફરી પાછો આગ્રહ કર્યો.
આ સમયે પાંચા કાકાનો જવાબ આરસની તકતી પર લખી રાખવા જેવો છે. પાંચા કાકાએ કહ્યું કે ‘સંપૂર્ણ સ્વરાજ તો તેને કહેવાય જયાં પોલીસ કે મિલિટરી વગર શાંતિથી પ્રજાનું રાજ ચાલે’ – કયાં છે આવું સ્વરાજ?
પાંચા કાકાનો જવાબ સાંભળી આખરે ગાંધીજીએ કહી જ દીધું કે તો તો તમારી પ્રતિજ્ઞા અડગ જ રહેશે, અદ્વિતીય રહેશે’, અદ્વિતીય પ્રતિજ્ઞા વાળી અડગ સત્યાગ્રહી પાંચા કાકા ઈ.સ. ૧૯૫૧ માં પરલોકવાસી થયા. પાંચા કાકા જીવ્યા ત્યાં સુધી દેશની સેવા કરતા રહ્યા.
તેમના પરલોકવાસ બાદ પણ તેમના મકાન અને જમીનમાં બનેલ ખાદી કુટીર અને ખાદી ભંડારમાં આજે પણ અવિરત દેશ સેવા ચાલી રહી છે. સેવાની આ સુવાસથી આજે પણ દેશવાસીઓના શ્વાસમાં પાંચા કાકા અજર અમર છે. કોળી વિરાસતની અમ૨ હકીકતના શીલાલેખના સાક્ષી બનીને હું અને મારો પરિવાર જય માતાજીનો જય ઘોષ કરીને સપ્તશૃંગી માતાજીની જાત્રા કરવા રવાના થયા.
-કરમણભાઈ કોળી (રાઘુનંદન)