ઈ.સ પૂર્વ ૧૮૭ થી કોળી સમાજની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ કેવી રહી છે ચાલો જોઈએ
સદીઓ પહેલા સતયુગના સમયમાં રાજા સગરે સૌ પ્રથમ કોળી સમાજને ધર્મ અને શિક્ષણથી વિમુખ કરી બરબાદી અને અજ્ઞાનતાનું ધીમું ઝેર આપવાની શરૂઆત કરી હતી. ઈ.સ. પૂર્વ ૧૮૭ માં ‘પુષ્યમિત્રશંગ’ અને ત્યારબાદ બીજા અનેક શાસકોએ “કોળી સંસ્કૃતિ’ને જડમૂળમાંથી ઉખેડી નાંખી હતી.
ઉચ્ચ કુળના શાસકોએ કોળી પ્રજાને વેદ અને પુરાણનો અભ્યાસ સદંતર બંધ કરાવી દીધો હતો. કોળી પ્રજા માટે કોઈપણ પ્રકારના જ્ઞાન કે વિદ્યા અભ્યાસ લેવા પર સખત પ્રતિબંધ મૂક્યો હતો.
ઈ.સ. પૂર્વ ૧૮૭ થી ઓગણીસમી સદી સુધીના, લગભગ બે હજારથી પણ વધારે વર્ષો સુધીમાં કોળી પ્રજાને જોર જુલ્મથી ‘અભણ’ અને ‘અજ્ઞાની બનાવી દેવામાં આવી હતી.
સદીઓના સમય બાદ કોળી પ્રજાની ‘અભણ કોમ’ તરીકેની છાપ બનાવી દીધી હતી. અજ્ઞાની કોળી પ્રજા પાસે ‘અભણ કોમ’નું બિરુદ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. ઈતિહાસકારો લખે છે કે, ભાલ-નળકાંઠાનું કોઈ ગામ કોળી સમાજના માણસો વગરનું નથી. કોળી સમાજથી છલોછલ ભરેલા આ વિસ્તારમાં ‘સમ” ખાવા જેટલા ભણેલા માણસો શોધવા દીવો લઈને જઈએ તો પણ માંડ જડે છે.
ઈ.સ. પૂર્વ ૧૮૭ થી ઓગણીસમી સદી સુધીના સમય ગાળામાં કોળી સમાજના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા. ગરીબાઈમાં જીવતા હતા. જે કોળી લોકો અમીર હતા, તે ગરીબ કોળી લોકોને મદદ કરવાને બદલે શાહુકારીથી વ્યાજે નાણાં આપી પોતાના જ જ્ઞાતિબંધુઓનું શોષણ કરતા હતો. શાહુકારોના શોષણનો ભોગ બનેલા ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરંતુ ઈમાનદાર અને ઈજ્જતદાર કોળી લોકો ખેતરમાં સખત મહેનત મજૂરી કરવામાંથી જ નવરા પડતા નહોતા.
આવી પરિસ્થિતિમાં કોળી સમાજના બાળકો ‘શિક્ષણ કેવી રીતે લઈ શકે ? આ સમયે ગામડામાં શાળા કે શૈક્ષણિક સંસ્થાઓનો ખૂબ જ અભાવ હતો. શાળા કે શૈક્ષણિક સંસ્થાઓ શહેરમાં હતી, પરંતુ શહેર સુધી જવા વાહનવ્યવહારની પૂરતી સુવિધા નહોતી. સમાજના બાળકો શહેરમાં રહીને ભણી શકે તે માટે કોળી સમાજનાં છાત્રાલયો તો હતો જ નહી. અન્ય સમાજનાં છાત્રાલયોમાં કોળી સમાજના બાળકોને રહેવા મળતું નહોતું. આવી વિકટ પરિસ્થિતિને કારણે કોળી સમાજ ‘અભણ’ અને ‘અજ્ઞાની’ રહી ગયો હતો.
સંશોધનાત્મક માહિતી મુજબ ઓગણીસમી સદીમાં કોળી સમાજમાં શિક્ષણ લેવાની શરૂઆત થઈ હતી.ઓગણીસમી સદીમાં અંગ્રેજોને કારકુનની જરૂર પડતા, થોડું ઘણું ભણેલા અને મહેનતુ માણસો ગ્રામ્ય વિસ્તારમાંથી સરળતાથી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં ચાર ચોપડી સુધી ભણી શકાય તેવી પ્રાથમિક શાળાની સગવડ કરવામાં આવી. પ્રાથમિક શાળાની સગવડ થવાથી કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ લગભગ વીસ ટકા જેટલું થયું.આ વીસ ટકામાં દીકરીઓનું ભણતર તો એક ટકા જેટલુ માંડ હતું.કોળી સમાજમાં પહેલેથી જ પુરુષ કરતાં સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ ઓછું હતું.
વીસમી સદીની શરૂઆતમાં શિક્ષિત થયેલા થોડા ઘણા કોળી માણસોએ જ્ઞાતિમાં શિક્ષણનો વધારો થાય તે માટેના પ્રયત્ન શરૂ કર્યા હતા. શિક્ષિત માણસોએ ‘જ્ઞાતિપંચ’ની મદદ લઈને કોળી સમાજમાં કેળવણીનો પ્રચાર શરૂ કર્યો. સમાજની જ્ઞાતિપરિષદો ભરીને કેળવણી ઉપર ભાર મૂકતાં ભાષણો કરવાની શરૂઆત થઈ. જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ વધારવા વ્યવસ્થિત આયોજનો શરૂ થયાં. ઈ.સ. ૧૯૧૬ પછી શિક્ષણપ્રેમી માણસોએ ભેગા થઈ જ્ઞાતિનાં ‘મંડળો’ બનાવવાની શરૂઆત કરી.
આવાં મંડળોના માધ્યમથી કોળી સમાજમાં શિક્ષણનો પ્રચાર કરવામાં આવ્યો. મંડળોના પ્રોત્સાહન અને સહાયથી શહેરી વિસ્તારમાં છાત્રાલયો અને ગ્રામ્ય વિસ્તારમાં આશ્રમશાળાઓની સગવડ કરવામાં આવી, છાત્રાલય અને આશ્રમમાં રહીને ઘણા કોળી બાળકોમાં શિક્ષણ લેવા માટે ઉત્સાહ જાગ્યો. આ જ સમયે કોળી સમાજના થોડા ઘણા માણસો ઉચ્ચ અભ્યાસ અને ધંધાર્થે વિદેશમાં પણ જતા થયા. અભ્યાસ અને ધંધાના આ ઉત્સાહને વધારે પ્રોત્સાહિત કરવા, ઈ.સ. ૧૯૪૭ પછી જ્ઞાતિમંડળો અને સરકાર દ્વારા શિષ્યવૃતિની શરૂઆત કરવામાં આવી. જ્ઞાતિમંડળોના મેળાવડામાં શિક્ષિત માણસોને સન્માનિત કરવાનો દોર શરૂ થઈ ચૂક્યો હતો. શિક્ષિત માણસોના સન્માન સમારોહ ઉપરાંત વિદ્યાર્થીઓને પુસ્તકસહાય તથા વિવિધ શૈક્ષણિક માધ્યમથી કોળી સમાજમાં શિક્ષણનો પ્રચાર થવા લાગ્યો હતો.
ઈ.સ. ૧૯૬૪માં ‘પંચાયતી રાજ’ શરૂ થયું. પંચાયતી રાજમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો અમલમાં આવી. જિલ્લા પંચાયતોએ શિક્ષણ માટે વધારે સગવડો અને યોજનાઓ શરૂ કરી. નવી શાળાઓ બનાવી. આ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી. શાળામાં સ્ત્રી શિક્ષણનો પ્રચાર કરવામાં આવ્યો. સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધારવા ‘મફત કન્યા કેળવણી’ ની શરૂઆત થઈ. પ્રાથમિક શાળામાં શિક્ષિત બહેનોને ‘શિક્ષિકા’ તરીકે વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું. જેના પરિણામે સમાજની દીકરીઓ પી.ટી.સી. સુધીનું શિક્ષણ લેતી થઈ.
સરકાર અને જ્ઞાતિમંડળના સહકારથી ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક લોન અને શિષ્યવૃતિ શરૂ કરવામાં આવી. નાના બાળકો માટે મધ્યાહ્ન ભોજન યોજના શરૂ થઈ. આ બધી સગવડતા અને ભૌતિક સુવિધાને કારણે કોળી સમાજમાં શિક્ષિત છોકરા અને છોકરીઓનું પ્રમાણ વધવા લાગ્યું. ઈ.સ. ૧૯૭૯માં કોળી સમાજને ‘બક્ષીપંચ જ્ઞાતિ’ તરીકેની માન્યતા આપવામાં આવી. કોળી સમાજનો બક્ષીપંચ જ્ઞાતિમાં સમાવેશ થતાં “અનામત’ નો લાભ પણ મળવા લાગ્યો. શિક્ષણ અને નોકરીમાં અનામતનો લાભ મળવાથી કોળી સમાજમાં આઈ.ટી.આઈ. ડિપ્લોમા એન્જિનિયર, ડિગ્રી એન્જિનિયર, ગ્રેજ્યુએટ, ડોક્ટર, વકીલ, અનુસ્નાતક, પી.એચ.ડી. સુધીના અભ્યાસનો માર્ગ વધુ સરળ બન્યો, શિક્ષણ માટે સમજ અને સગવડતા મળતાં , ઈ.સ.૧૯૭૯ પછી કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ સાઈઠ (EC) ટકા જેટલું થયું. દીકરીઓના ભણતરમાં પણ સારો એવો વધારો થયો. છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કોળી લોકો તેમની દીકરીઓને ગામની બહાર ભણવા મોકલવા જેટલા જાગૃત થયા નથી.
ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના લોકો દીકરીને પોતાના ગામની અથવા ગામની નજીકની સ્કૂલમાં જ મળતું શિક્ષણ આપીને સંતોષ માને છે. દીકરીના શિક્ષણથી પણ વધારે દીકરીના લગ્નની ફરજ પૂરી કરવાની રૂઢિચુસ્ત માન્યતાને કારણે ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજની દીકરીઓમાં ભણતરનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. કોળી સમાજના જે બાળકોને ભણાવવામાં આવે છે, તે બાળકો મોટે ભાગે પી.ટી.સી. સી.પી.એડ. અને આઈ.ટી.આઈ.માં ડિઝલ મીકેનીક જેવા કોર્સ કરવા સુધીનું જ શિક્ષણ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ નાની સરખી નોકરી અથવા બાપદાદાના ખેતીના વ્યવસાયમાં લાગી જાય છે. મોટા ભાગના વિસ્તારમાં કોળી સમાજના લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી, ખેડૂતના બાળકો ‘કૃષિ ડિપ્લોમા’ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરે છે.
ગ્રામ પંચાયતમાં ‘તલાટી’ તરીકે પણ કોળી સમાજના યુવાનો વધારે જોડાય છે. કારકુન અને પોલીસની ભરતી સમયે સૌથી વધારે ઉમેદવાર કોળી સમાજના હોય છે. સદીઓ પહેલા રાજાના લશ્કરમાં સૈનિક તરીકે સૌથી વધારે પસંદગી પામતા ખડતલ અને જાંબાઝ કોળી યુવાન ‘મિલિટરી’માં ભરતી થઈને માતૃભૂમિની રક્ષા માટે પોતાનું તન, મન અને ધન અર્પણ કરે છે.