એક સામાન્ય માણસ માંથી પરમ પૂજ્ય વેલનાથ બાપુ કેવી રીતે બન્યા જાણો

જૂનાગઢ તાલુકાના ‘વહળવા’ ગામમાં ભક્તરાજ કોળી ભૂદા ભગત અને તેમના ધર્મપત્ની સતીમાના ઘેર ઈ.સ. ૧૪૦૨ ની આસપાસ, ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતિ)ના શુભ દિવસે ‘વેલા કોળી’ નો જન્મ થયો હતો. બાળપણમાં વગડામાં ગાયો ચરાવતા વેલા કોળીને “નાથ પંથ’ ના એક સંતનો ભેટો થયો. સંત વેલા કોળીને ગિરનારના ‘વાઘનાથ બાપુ’નો સત્સંગ કરવાની સલાહ આપી.

સંતના આદેશથી વેલો કોળી ગિરનારી સંત વાઘનાથબાપુનો શિષ્ય બન્યો. ગુરુ વાઘનાથબાપુએ વેલા કોળીને તુંબડું, ચીપિયો અને ઝોળી આપ્યા. આ ત્રણ વસ્તુ લઈને વેલકોળીએ ગિરનારની પરિક્રમા શરુ કરી. બાર વર્ષ સુધી પરિક્રમા કર્યા બાદ, એક ગુફામાં સમાધિ લગાવી. સમાધિમાં બાર વર્ષ વીતી ગયા. ચોવીસ વર્ષ બાદ વેલા કોળી ગુરુ વાઘનાથ બાપુના દર્શને આવ્યા. ગુરુ વાઘનાથ બાપુએ વેલા કોળીને નાથ પંથમાં સ્થાન આપ્યું.

 

વેલો કોળી હવે ‘વેલનાથ’ કહેવાયા. નાથોના નાથ ગિરનારી સંત વેલનાથ બાપુએ પાણી પીવા એક કૂવો બનાવ્યો, જેને ‘વેલનાથનો વીરડો’ નામ આપ્યું. આ વીરડાના કાંઠે વેલનાથ બાપુએ વડના દાતણની બે ચીરો કરીને જમીનમાં રોપી. દાતણની આ ચીરમાંથી ઉગેલા વિશાળ વડના વૃક્ષનું ‘વેલા વડ’ તરીકે આજે પણ પૂજન કરાય છે. આ પ્રમાણે લોક ઉપયોગી અનેક પરચા બતાવીને વેલનાથ બાપુએ લોકોના દુઃખ દૂર કર્યા હતા.

ભક્તજનો વેલનાથ બાપુની આજે સ્તુતિ આરતી કરે છે… ‘કાળી કોયલ કલકલ, ભૈરવ કરે ભભકાર, નિત નગારા ગાગડે, ગરનારી વેલનાથ….’ વેલનાથબાપુના સંસર્ગથી પાપી આત્માઓ પણ પુણ્યશાળી બની જતા હતા, રોણ નદીના કિનારાના વિસ્તારમાં રામ ધાંગડ’ નામના શિકારીની ધાક હતી, આ રામ પાંગડાનો એકનો એક દીકરો મરણ પથારીએ સૂતો હતો. આ સમસ્યાના નિવારણ માટે રામડાના ઘરે.

 

કોળી જ્ઞાતિની અંધશ્રદ્ધાના ઉપાય શરુ થઈ ગયા. વાધરીઓની રાડો , રાવળોના ડાકલા અને ભુવાઓના હાકોટા બોલતા હતા. આ જ સમયે વેલનાથ બાપુ રામડાના ઘરના આંગણે પધાર્યા, વેલનાથ બાપુએ અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરાવી, શ્રદ્ધા ભાવથી પરમપિતા પરમાત્મા અને જગત જનનીની આરાધનાના ભજનો શરૂ કર્યા પરમતત્વની કૃપાથી રામડાનો દીકરો નવા અવતારે સાજો થયો.

રામડાએ પણ પાપ કર્મ બંધ કરવાનો સંકલ્પ લીધો. પરંતુ પાપી આત્મા એટલી જલ્દી પુણ્યશાળી બને તેમ ન હતી. રામડાએ પોતાની બંદૂક લીધી અને નિર્દોષ હરણને મારવા નીકળી પડ્યો. હરણના શરીરમાં કંઈ કેટલીયે ગોળીઓ ધરબી દીધી. પરંતુ હરણ છલાંગો મારતું અદૃશ્ય થઈ ગયું. થાકેલો રામડી પરત ફરતો હતો, ત્યાં રસ્તામાં એક ઝાડ નીચે વેલનાથ બાપુને દર્દથી કણસતા જોયા. રામડો બાપુની આ દશા જોઈને દુઃખી થયો. ગોળીઓથી વીંધાઈને ચાળણી જેવા થયેલા બાપુના શરીરને જોઈને રામડો સમજી ગયો કે મારા જેવા પાપીને સુધારવા બાપુએ હરણના રૂપમાં પોતાનું બલિદાન દઈ દીધું.

 

બાપુના સ્વર્ગવાસનું કારણ પોતે જ બન્યો. ખૂબ વિલાપ કરતા રામડાએ કુકાવાવ-વડીયા તાલુકાના ‘ખડખડ’ ગામમાં બાપુની સમાધિ બનાવી. સમાધિ સ્થળે બાપુની આરાધના અને ભક્તિ કરતાં કરતાં રામડો ખરેખર પુણ્યશાળી ‘સંત રમૈયા’ બની ગયો. સંત રમૈયાએ બાપુની આરાધનાના લગભગ ત્રણસો જેટલા ભજનોની રચના કરી. આ ભજનો આજે પણ લોક મુખે ગવાઈ રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *