કોળી સમાજ ના શરવીર યોધ્ધાઓ અને કોળી વિર જલકારીબાઈ નો ઈતિહાસ

આખરે હજારો વર્ષો બાદ દુઃખીયાના બેલીની જેમ અંગ્રેજોના જુલ્મી શાસન સામે ‘ગાંધીવાદ મેદાનમાં આવ્યો હતો. માણસને માણસ સમજી માણસના માણસ તરીકેના હક્કો માટે અને પોતાનું સ્વાભિમાન પાછું મેળવવા માટે ગાંધીવાદના ક્રાંતિકારી યુગની શરૂઆત થઈ હતી ઈસુ સંવતની સત્તરમી અને અઢારમી સદી કોળી સમાજ માટે આત્મમંથનનો સમય હતો. આજ સમયમાં શરૂ થયેલા ગાંધીયુગથી કોળી સમાજમાં સામાજિક ક્રાંતિ માટેની હિમંત અને પોતાના માનવી તરીકેના હક્ક માંગવાની જાગૃતિ આવી હતી.

કોળી સમાજ માટે સૌથી મોટા ગૌરવની વાત એ હતી કે સત્તરમી અને અઢારમી સદીમાં કોળી સમાજમાં આધ્યાત્મિક શક્તિનો પ્રાણ પૂરનારા કોળી જયોતિર્ધરોનો જન્મ થયો હતો. ભક્તરાજ ભદુરદાસ, સૌરાષ્ટ્રના ભક્ત વલરામ, જૂનાગઢના ગિરનારી સંત વેલનાથ, વડતાલ અને ગઢડાના ભક્તરાજ જોબનપગી, શીહોરના સંત શ્રી કોયાભગત, નવનાથમાં ગણના પામેલા સંત ધુંધળીનાથ, મદનભગત, કાનજી સ્વામી વગેરે મહાન કોળીસંતોએ કોળી સમાજને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાની શરૂઆત કરી હતી.

સોળમી સદીના નરસિંહ મહેતા, મીરાંબાઈ, સંતકબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્તોનું દંભી અને ઢોંગી લોકોને શીખ આપતું ‘ભક્તિઆંદોલન’, સત્તરમી સદીના વંદનીય કોળી સંતોના આશીર્વાદ અને ગાંધીજીની માનવતાક્રાંતિએ ‘ કોળી સમાજના મડદા’માં નવો પ્રાણ પૂરવાની કોશિશ કરી હતી, ઈ,સ, ૧૮૫૫ પછી અંગ્રેજોના જુલ્મી શાસન સામે અને માણસને માણસ સમજી માણસના માણસ તરીકેના હક્કો માટે તથા પોતાનું સ્વાભિમાન પાછું મેળવવા શરૂ થયેલા ગાંધીવાદના ક્રાંતિકારી યુગમાં કોળી સમાજના શૂરવીર લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.સ્વાભિમાન અને આઝાદી માટેની અંગ્રેજો સામેની લડાઈમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, સિંધપ્રદેશ, હિમાચલપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, વગેરે રાજયોમાંથી કોળી સમાજના શૂરવીર ક્રાંતિકારીઓએ માતૃભૂમિ માટે વહાવેલ લોહી આજે પણ ભારતની બે ગજ જમીનની નીચે ધરબાયેલું પડ્યું છે સ્વાભિમાન અને આઝાદી માટેની અંગ્રેજો સામેની લડાઈએ ઈ.સ. ૧૮૫૭માં જોર પકડ્યું હતુ. આ લડાઈમાં પુરુષોની સાથે સ્ત્રીઓએ પણ ખભેખભા મિલાવી સાથ આપ્યો હતો. કોળી સમાજના પુરુષો સાથે કોળી નારીઓ ‘દુર્ગા’ બનીને ઘરની બહાર નીકળી હતી. કોળી નારીઓની આ હિંમતને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ મક્કમ મનોબળ પૂરું પાડ્યું હતું.

‘મેરી ઝાંસી નહી લૂંગી’નો મજબૂત નિર્ણય કરીને અંગ્રેજોના છક્કા છોડાવનાર રાણી લક્ષ્મીબાઈનો મુખ્ય તોપચી ‘પૂરણ’ નામનો વીર કોળી હતો. પૂરણ કોળીનો દેશપ્રેમ જોઈને રાણી લક્ષ્મીબાઈએ કોળીઓની સ્ત્રીઓની પણ સેના બનાવી. આ સેનાનું નામ દુર્ગા સેના રાખવામાં આવ્યુ દુર્ગાસેનાની તમામ જવાબદારી પૂરણ કોળીની પત્ની ‘ઝલકારીબાઈ કોળી’ને સોંપવામાં આવી હતી. દેખાવે શ્યામવર્ણી ઝલકારીબાઈ કોળી એકદમ લક્ષ્મીબાઈની ડુપ્લિકેટ લાગતી હતી. એક જ સરખા દેખાતા લક્ષ્મીબાઈ અને ઝલકારીબાઈ કોળી વચ્ચે અંગત બહેનપણી જેવા સબંધ હતા ઈ.સ. ૧૮૫૮માં અંગ્રેજોએ ઝાંસી ઉપર ચારે બાજુથી ભીષણ આક્રમણ કર્યું, ત્યારે ઝાંસીના મુખ્ય દરવાજાનો મોરચો પૂરણ કોળીએ સંભાળ્યો હતો. રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારીબાઈ કોળી વચ્ચેની અનંત ગુપ્ત યોજના મુજબ ઝલકારીબાઈ કોળીએ રાણી લક્ષ્મીબાઈનો વેશ ધારણ કર્યો હતો.

રાત્રીના ચોથા પહોરના સમયે રાણી લક્ષ્મીબાઈને પૂરણ કોળીએ ગુપ્તમાર્ગે ઝાંસીની બહાર મોકલી દીધા હતા. રાણીના સહીસલામત બહાર નીકળ્યા બાદ કોળી દંપતીએ પ્રેમભરી નજર મેળવીને પોતપોતાના કર્તવ્ય સંભાળી લીધાં હતાં. પાંચમી એપ્રિલ અઢારસો અઠ્ઠાવનની રાત્રીના ચોથા પહોરની મીઠી નીંદર માણી રહેલા અંગ્રેજ લશ્કરમાં કોળી વીરાંગના કાળ બનીને તૂટી પડી હતી. સતત ચાર કલાક સુધી અંગ્રેજ લશ્કરનો કચ્ચરઘાણ વાળી પૂરણ કોળીએ શહાદત વહોરી હતી. અને શહીદ પૂરણ કોળીની વીરાંગના પત્નીને રાણી લક્ષ્મીબાઈ સમજીને જીવિત ગિરફતાર કરવામાં આવ્યા હતા. બારીકાઈના નીરિક્ષણ બાદ અંગ્રેજ કેપ્ટનને જ્યારે જાણ થઈ કે ગિરફતાર થયેલ બાઈ લક્ષ્મી નથી પરંતુ ઝલકારી છે ત્યારે અંગ્રેજનું ભેજું ચક્કર ખાઈ ગયું હતું. કોળી નારીની આ વીરતાને અંગ્રેજો પણ બિરદાવ્યા વગર રહી શક્યા નહોતા.

ઝલકારી બાઈ કોળીને મૃત્યુદંડ આપવાને બદલે સાદી નજરકેદમાં રાખી થોડા વર્ષો બાદ મુક્ત કરવામાં આવ્યાં હતાં. શહીદ કોળીની વીરાંગના પત્નીએ પોતાના વતન ‘ભોજલાગામ’ કે જે ઉત્તરપ્રદેશમાં આવેલ છે, ત્યાં પોતાના બાળકો સાથે ગુમનામ જીવન પસાર કર્યું હતું. ઝલકારી બાઈ કોળી વિષે મૈથિલીશરણ ગુપ્ત લખે છે કે… ‘જાકર રણ મેં લલકારી થી, વહ ઝાંસી કી ઝલકારી થી, ગોરો કો લડના શીખા ગઈ રાની બન જોહર દિખા ગઈ, હૈ ઈતિહાસ મેં ઝલક રહી, વહ કોલી કી સનારી થી.

ઈ.સ.૧૮૫૮માં રાજસ્થાનમાંથી કોળી સમાજના વીર યુવાનો ઝાંસીની ઝલકારીબાઈ કોળીની સહાયતા માટે આવ્યા હતા. ત્યાગ અને બલિદાનની ભાવનાથી હજારો કોળી લોકો પગપાળા ચાલીને રાજસ્થાનના પહાડી અને રણપ્રદેશમાં ક્રાંતિકારી સંદેશા પહોંચાડી લોકોને આઝાદીની. લડત માટે તૈયાર કરતા હતા ઈ.સ. ૧૮૫૮માં ઝલકારીબાઈ કોળીની યુક્તિ અને વીરતાથી બચી ગયેલ રાણી લક્ષ્મીબાઈ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ‘તાત્યા ટોપે’ના શરણમાં ગયા હતા. તાત્યા ટોપે કોળી સમાજના હમદર્દ હતા. તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈની મદદ માટે મધ્યપ્રદેશના કોળી વીરો તૈયાર હતા. ટોપે અને રાણીની સંયુક્ત લડાઈ છતાં અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા લડતા અઢાર જુન અઢારસો અને અઠ્ઠાવનના દિવસે રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા હતા.

ઈ.સ. ૧૫૩૪ જૂન બાદ મહારાષ્ટ્રના દરિયા કિનાર પરની કોળી વસાહતના સાત આઈસલેન્ડ મુમ્બઈ દ્વીપોને એક જ સાથે જોડીને કોળીલોકોની કુળદેવી મુંબાદેવીના નામ પરથી તેનું ‘મુમ્બઈ’ નામ આપવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૭૩૯માં બોરીબંદર વિસ્તારમાં કોળી લોકોના કુળદેવી મુંબાદેવીનું મંદિર બાંધવામાં આવ્યું હતું. સમય બદલાતા મુમ્બઈમાં અંગ્રેજ શાસન આવતા અંગ્રેજ સરકારે મુમ્બાઈનું નામ બદલીને ‘બોમ્બે’ કરી નાખ્યું હતું. આ ઘટનાથી કોળી સમાજ ક્રોધે ભરાયો અને અંગ્રેજ શાસન સામે સંગ્રામ શરૂ કર્યોહતો દરિયાઈમાર્ગે આવતા અંગ્રેજોનાં જહાજો કોળી દરિયાઈ લૂંટારાઓનો ભોગ બનતા હતા. કોળી લોકોની દરિયાઈ લડાઈથી અંગ્રેજ સરકારનો વાહનવ્યવહાર અનુબખ્ત થઈ જતો હતો. મહારાષ્ટ્રના ભૂમિ પ્રદેશમાં પણ કોળી લોકોએ અંગ્રેજીને હેરાન પરેશાન કર્યા હતા.

સિંધ પ્રાંતમાં પણ કોળી વીરોએ સ્વમાન અને આઝાદી માટે બલિદાન આપ્યા હતા. સિંધપ્રદેશમાં સ્વતંત્ર સંગ્રામ લડતી સેનાના સરદાર રૂપાભાઈ કોળી હતા. જેને ‘રૂપલો કોળી’ તરીકે ઓળખતા હતા. સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના નગરપારકર વિસ્તારના કારુજાર પર્વતમાળામાં રૂપલા કોળીએ અંગ્રેજ લશ્કરને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું પહાડી ઈલાકાના રૂપલા કોળીના ગેરીલાયુદ્ધથી અંગ્રેજ સરકારના નાકમાં દમ આવી ગયો હતો. પોતાની ઈજજત રાખવા અંગ્રેજોએ પોતાની તમામ લશ્કરી તાકાત લગાવીને બાવીસ ઓગસ્ટ અઢારસોને અઠ્ઠાવનમાં રૂપલા કોળીને ગિરફતાર કર્યો હતો.

હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પત્રકાર રાકેશકુમારે પોતાના લેખમાં લખ્યું હતું કે કોળી સમાજમાં જન્મેલા બળદેવસિંહ ‘હિમાચલપ્રદેશના ગાંધી’ કહેવાતા હતા. કોળી સમાજના બળદેવસિહે સરકારી નોકરી છોડી દીધી હતી. આઝાદીની લડત માટે હિમાચલપ્રદેશના શિલ્પકારનું કામ કરતા ગરીબ કોળીઓને સંગઠિત કર્યા હતા સૂચના અને પ્રસારણ મંત્રાલય – ભારતસરકાર દ્વારા પ્રકાશિત પુસ્તક “સન સતાવન કે ભૂલે-બિસરે શહીદ’માં બિહારના કોળીલોકોના સ્વાતંત્ર સંગ્રામ માટેના યુદ્ધનું વર્ણન છે. બિહારની સિંહભૂમિમાં રાજા અર્જુનસિંહના નેતૃત્વમાં કોળી લોકોએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા. બિહારના કોળી લોકો સમય – સમય પર છાપામાર હુમલા કરીને અંગ્રેજોને ભયભીત રાખતા હતા.

ગુજરાતનો કોળી સમુદાય પહેલેથી જ વિદ્રોહી અને ક્રાંતિકારી રહ્યો હતો. સત્તરમી-અઢારમી સદીમાં અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઘણા દેશી લોકો સહયોગ આપી રહ્યા હતા ત્યારે ગુજરાતનો સ્વાભિમાની કોળી સમુદાય અંગ્રેજો વિરુદ્ધ છાપામાર લડાઈ લડતો હતો. અને પોતાની હાર થવા છતાં સંઘર્ષ ચાલુ રાખ્યો હતો શૌર્ય અને બલિદાનની હારમાળામાં ‘મોહનજી માલાજી સોલંકી’ પોતાના શોધપૂર્ણ લેખોમાં ગુજરાતના કોળી વીરોની યશગાથા લખતા કહે છે કે, ‘સુરત, કાઠિયાવાડ, વડોદરા, મહીકાંઠા, મહપોશી, કોલીચિરો, ભીલધારા વગેરે વિસ્તારના કોળી લોકો અંગ્રેજોને ઝેરીલા નાગ જેવા લાગતા હતા.’ આ ઝેરીલા નાગકોળીઓએ મહીકાંઠા વિસ્તારના કોળી સરદાર હાથીભાઈની આગેવાનીમાં ૧૬-૧૦-૧૮૫૭ના દિવસે વડોદરા સ્ટેટની અંગ્રેજોની બ્રિટીશ કેન્ટોનમેન્ટ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પરંતુ અંગ્રેજોના જાસૂસી તંત્રને કોળી લોકોની આ ગુપ્ત યોજનાની જાણકારી મળી ગઈ હતી.

અંગ્રેજોને આ યોજનાની જાણ થઈ જતાં અંગ્રેજોએ કોળી ક્રાંતિવીરોને ગિરફતાર કરી લીધા હતા. મહીકાંઠાના એકસોથી વધારે કોળી ક્રાંતિવીરો ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો હતો. જેમાં વડોદરાના રામજી મંગલજી, મોતીચંદ બેચરદાસ અને ગણપતરાય કોળીને ફાંસી આપવામાં આવી હતી ખેડાના પ્રતાપપુર ગામના અદાન , ભીખાજાનું અને કાનપર ગામના બે સાથીઓને તોપથી ઉડાવી દીધા હતા. બાકી રહેલા તમામ કોળી ક્રાંતિવીરોને કાળાપાણીની સજા કરવામાં આવી. હતી. ચાડપ ગામમાં દેશભક્ત કોળીઓએ દસ અંગ્રેજ ઘોડેસવારોને મારી નાખ્યાં હતાં, કોળી સમુદાયમાં ખૌફનાક ડર પેદા કરવા અંગ્રેજોની એક લશ્કરી ટુકડી ચાડપ ગામમાં આવી અને ૮૦૦ થી ૯OO હથિયાર વગરના લાચાર કોળીઓને સળગાવીને રાખ કરી દીધા હતા. આટલા મોટા નરસંહારની નોંધ એક પણઈતિહાસકારે કેમ લીધી નથી ૧૮૫૮માં ઉમરીયા ગામના કોળીઓને બરબાદ કરવા બારસો જેટલા ગોરા સૈનિકોએ ખૂનની હોળી ખેલી હતી.

ગાયકવાડી ગામ દમોડના કોળી સમુદાયના ખેતરોમાં ઊભો મોલ રાખ બનાવી દીધો હતો. દેશની આઝાદી માટે કોળી સમુદાયની બલિદાનની અમર કથા ભૂલી શકાય તેમ નથી. ઈ.સ. ૧૯૦૨માં નવસારીથી માંધાતા તળપદા કોળી પટેલો દક્ષિણ આફ્રિકા ગયા હતા. જયાં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ હતી. આ મુલાકાતમાં નવસારીના માંધાતા તળપદા કોળી પટેલોએ આઝાદી માટેની લડાઈમાં સહયોગની ખાત્રી આપી હતી. ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજીની ભાવનગરની મુલાકાત દરમ્યાન ભાવનગરના દેશભક્ત કાનજીભાઈ આણંદજીભાઈ બારૈયા અને તેમના પત્ની સોનાબેને પોતાના તમામ ઘરેણા ગાંધીજીને સુપરત કર્યા હતા. આ દેશભક્ત કોળી પટેલ દંપતીએ રેંકડીમાં ખાદીનું વેચાણ કરીને આઝાદીની ચળવળમાં અમૂલ્ય સહયોગ આપ્યો હતો.

ગુજરાતના શૂરવીર અને દેશદાઝવાળા તળપદા કોળી પટેલ સમુદાય ઉપર ગાંધીજીને અતૂટ વિશ્વાસ હતો. શૂરવીર તળપદા કોળી પટેલ ક્રાંતિકારીઓના બાહુબળ ઉપર જ ગાંધીજીએ કરાડી, મટવાડમાં રહીને અંગ્રેજો સામે ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ ઈ.સ.૧૯૩૨માં સવિનય કાનૂન ભંગ અને ઈ.સ. ૧૯૪રમાં ‘ભારત છોડો’ આંદોલન કર્યા હતા. આ આંદોલનના મુખ્ય હીરો હતા પાંચાભાઈ દાજીભાઈ તળપદા કોળી પટેલ ઉર્ફે “પાંચાકાકા પાંચાકાકાનો જન્મ ઈ.સ. ૧૮૭૬માં મુંબઈ પ્રાંતના, સુરત જિલ્લાના જલાલપુર તાલુકાના મટવાડ-કરાડી ગામમાં ક્ષત્રિય તળપદા કોળી પટેલ પરિવારમાં થયો હતો, પાંચો કોકા સાધરણ ને ડૂત હતા. તેમની પાસે લગભગ બે વીધા જમીન હતી, તે સમયે જમીનની કિંમત બે હજાર રૂપિયા હતી, સમુદ્રમાં ભરતી આવતી ત્યારે સમુદ્રનું પાણી મટવાડ ગામ સુધી આવી જતું હતું. મટવાડ ગામથી ગાંધીજીના મીઠાના કાયદાના ભંગનું દાંડી ગામ ચાર કિલોમીટર દૂર હતું.

તારીખ ૦૫-૦૪-૧૯૩૦ના રોજ ગાંધીજીએ મટવાડ-કરાડી ગામના અને આસપાસના ગામના કોળી વીરોના સહકારથી દાંડીના દરિયાકિનારે મીઠું પકવીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. પાંચાકાકાએ તમામ વિલાયતી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો. સ્વરાજ ન મળે ત્યાં સુધી ભૂમિ કર. ભરવાનો પણ બંધ કરી દીધો હતો. ભૂમિ કર ન ભરવાને કારણે મુંબઈ સરકારે પાંચાકાકાની જમીન જપ્ત કરી લીધી હતી, જમીનવિહોણા પાંચાકાકા ચરખો ચલાવી ખાદી કાંતતા હતા. ખાદીનું વેચાણ કરી સ્વદેશી ચળવળને વેગ આપતા હતા. ઈ.સ. ૧૯૪૨માં ‘અંગ્રેજો ભારત છોડો’ અને ‘કરેંગે યા મરેંગે’નો નાદ બુલંદ બન્યો હતો. જેના કારણે અંગ્રેજો અને ભારતીયો વચ્ચે મુઠભેડ વધી ગઈ હતી. આ સમયે મટવાડ-કરાડીના કોળી વીરો પર ગોળીબારો કરવામાં આવ્યા હતા.

આ ગોળીબારમાં મટવાડ ગામના મગનભાઈ ધનજીભાઈ કોળી પટેલને ગોળી વાગી, આ જ સમયે એક અંગ્રેજ સૈનિકે મગનભાઈને ખંજર માર્યું હતું. ગોળી અને ખંજર વાગવાથી લોહીના ખાબોચિયામાં મગનભાઈ તરફડતા હતા. પરંતુ તેમને અંગ્રેજી સૈનિકોની વચ્ચેથી બહાર લાવવાની હિંમત કોઈ કરતું નહોતું. મગનભાઈની વેદના જોઈને કોળી બહેનો આગળ આવી હતી. કોળી વીરાંગનાઓ હિંમત કરીને આગળ વધી અને મગનભાઈને ઉપાડીને અંગ્રેજ સૈનિકોના ઘેરામાંથી બહાર લઈ આવી હતી. ઈ.સ. ૧૯૪૨ના આંદોલનમાં કોળી મહિલાઓએ પણ અદમ્ય સાહસ અને હિંમતનો પરચો આપ્યો હતો.

તારીખ ૨૨-૦૮-૧૯૪૨ના રોજ દક્ષિણ ગુજરાતના મટવાડ-કરાડી ગામના ત્રણ કોળી પટેલ વીરો (૧) મગનભાઈ ધનજીભાઈ કોળી પટેલ ગામ મટવાડ, (૨) મોરારભાઈ પાંચાભાઈ કોળી પટેલ-ગામ કરાડી અને (૩) રણછોડભાઈ લાલાભાઈ કોળી પટેલ – ગામ કરાડી શહીદ થયા હતા. આ કોળી પટેલ શહીદ વીરોએ ભારતના સ્વતંત્ર સંગ્રામના ઈતિહાસમાં પોતાનું પોતાના ગામનું અને સમસ્ત તળપદના કોળી પટેલ સમાજનું નામ અમર કરી દીધું. તળપદા પટેલ સમાજના આ શહીદો ઉપરાંત કંઈ કેટલાય નામી અનામી કોળી વીરોએ પોતાના બલિદાનો આપ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *