કોળી સમાજ ની રાજકીય સફર, શરુઆત થી આજ સુધી જાણો.

સૂર્યવંશી ક્ષત્રિય મહારાજા ઈહવાકુના વંશજ “કોલીય’ રાજા ઓનું રાજકીય વર્ચસ્વ સતયુગના સમયમાં હતું. સૂર્યવંશી ઈથવાકુ વંશજ અને કોળી સમાજના પૂર્વજ ચક્રવર્તી સમ્રાટ મહાન કોળીય મહારાજા‘માંધાતા સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા.

કોળી સમાજના રાજકીય ઈતિહાસનું સંશોધન કહે છે કે, ઈ.સ. પૂર્વે ૬૪૭ ના સમયમાં નેપાળના રામગ્રામ વિસ્તારની રાજધાની દેવદહ નામની નગરીમાં સૂર્ય-નાગવંશના રાજા રામ’ ની રાજકીય કીર્તિ સૂર્યની જેમ ફેલાયેલી હતી.

ઈ.સ.પૂર્વે ૬ ૧૯ (છસો ઓગણીસ) ના સમયમાં કોળી સમાજના રાજા અંજનના રાજકીય સુવર્ણ યુગમાં ભારતવર્ષનો હિમાલય પર્વતમાળાનો ઉત્તરપ્રાંત કોળી પ્રાંત’ કહેવાતો હતો. ગુપ્ત યુગમાં સમ્રાટ અશોકના લગ્ન દેવદહના કોળી રાજાની રાજકુંવરી ‘શ્રી દેવી’ સાથે થયા હતા. કોળી સમાજના જમાઈ સમ્રાટ અશોકના કારણે જગતના રાજકીય ઈતિહાસમાં કોળી વંશનુ નામ રોશન થયું હતું.

સમ્રાટ અશોકના અવસાન બાદ, સમ્રાટ અશોકના પુત્ર બૃહદ્રથની હત્યા કરી, ઈ.સ. પૂર્વ ૧૮૭ માં ‘પુષ્પમિત્રશંગ’ રાજા બન્યો હતો. પુષ્યમિત્રશંગ ધર્મના નામે ધતિંગ કરતા ધાર્મિક લૂંટારાઓનો સાથીદાર અને કોળી સમાજનો સૌથી મોટો શત્રુ હતો. પુષ્પમિત્રશંગે કોળી લોકોનાં ઘર, દેવાલય, ધર્મગ્રંથો વગેરેને આગ લગાડી અસ્તવ્યસ્ત કરી નાખ્યાં. રામગામની રાજધાનીના મહેલો તોડી ખંડેર કરી નાખ્યાં, પુષ્પમિત્રશૃંગના સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય અત્યાચારોથી હેરાન પરેશાન કોળી સમાજના લોકો રામ ગ્રામ અને નેપાળ દેશ છોડી જ્યાં પણ સલામત જગ્યા મળી ત્યાં ભાગીને રહેવા લાગ્યા.

જીવ બચાવીને ભાગી નીકળેલા કોળી સમાજના લોકો ભારત દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાઈ ગયા. પુષ્પમિત્રશંગે કોળી સમાજની કોમી એકતા પર વજઘાત કર્યો હતો. આ વજઘાતને કારણે કોળી સમાજમાં ક્યારેય કોમી એકતા સાધી શકાઈ નહીં. વેરવિખેર થઈ ગયેલા કોળી સમાજમાં ક્યારેય ‘નેતૃત્વ’ કરવાની તાકાત પણ રહી નહી. સત્તા અને સંપત્તિ વગરના કોળી સમાજના લોકો પાસે જીવનનિર્વાહ કરવાની જ્યાં ફિકર હતી, ત્યાં ‘રાજકરણ’ માટે સમય અને સંપત્તિ ક્યાંથી લાવે ? ઉપલી કોમના સ્વાર્થી રાજકરણીઓના કારણે કોળી સમાજના માણસોના સંબંધમાં ‘સામાજિક અંતર’ પણ વધતું જતું હતું.

કોળી સમાજનો રાજકીય ઈતિહાસ જોતા, ઈ.સ. પૂર્વ ૧૮૭ થી ઈ.સ. ૧૯૦૫ સુધી રાજકીય પક્ષ કે રાજકીય પરિષદમાં કોળી સમાજના માણસોનું કોઈ સ્થાન નહોતું. ઈ.સ. ૧૯૦૫ પછી મોટા અને સાધનસંપન્ન કોળી ખેડૂતોએ ઉપલી કોમના રાજકીય માણસો સાથે સારા સંબંધો વિકસાવ્યા. ઈ.સ. ૧૯૧૦ પછી ગાંધીવાદી કાર્યકરોએ ગુજરાતના કોળી સમાજને ‘સમાજ સુધારણાના નામે રાજકીય પ્રવૃત્તિમાં જોડવાની શરૂઆત કરી હતી. સમાજ સુધારણા પ્રવૃતિ માટે ‘કોળી પરિષદ’ ભરવાની શરૂઆત કરવામાં આવી.

‘કોળી પરિષદ’માં કોળી સમાજ માટે રચનાત્મક કામો કરવાની શુભ શરૂઆત થઈ હતી. આ સમયમાં કોળી સમાજમાંથી કોઈ રાજકીય હોદેદારો નહોતો, છતાં ‘કોળી પરિષદ’ને કારણે કોળી સમાજના ઘણા બધા માણસો રાજકીય બાબતોથી સભાન થયા હતા.

ઈ.સ. ૧૯૪૦ પછી કોળી સમાજના આર્થિક રીતે સમૃદ્ધ માણસો રાજકરણમાં વધુ સક્રિય થયા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૪૭ માં દેશ આઝાદ થયો. આઝાદી બાદ રાજકીય સત્તા મેળવવા, દેશના વિવિધ રાજકીય પક્ષોએ કોળી સમાજની જનસંખ્યા બળ’નો લાભ લેવાની શરૂઆત કરી

હતી. કોળી સમાજના શાહુકારો, જમીનદારો અને શિક્ષિતો જ્ઞાતિપંચમાં અગ્રેસર રહેવા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૬૪ પછી ગુજરાતમાં પંચાયતી રાજ’ની શરૂઆત થઈ, રાજકીય બાબતોની સભાનતા આવવાના કારણે કોળી સમાજના માણસોએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સરપંચ-પ્રમુખ મંત્રી જેવા હોદ્દા માટે ઉમેદવારી કરવાની શરૂઆત કરી. ‘જનસંખ્યા બળ’ને કારણે કોળી સમાજના દરેક ઉમેદવારોને સારી એવી સફળતા પણ મળી. પંચાયત લેવલે મળેલી સફળતા બાદ ધીરે ધીરે કોળી સમાજના માણસો ગ્રામ્ય ક્ષેત્રે સહકારી મંડળીઓ, શિક્ષણ સંસ્થાઓ, દૂધ મંડળીઓ, પિયત મંડળી, કોટન મંડળી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવી જગ્યાઓ પર સત્તા મેળવવા લાગ્યા. ગ્રામ્ય વિસ્તારની આવી જગ્યાઓ કે જે અત્યાર સુધી માત્ર ઉપલી કોમનો જ ઈજારો હતો, તે ઈજારાશાહીમાં કોળી કોમના માણસોએ ભાગ પડાવ્યો. ઈ.સ.૧૯૬૫ પછી કોળી સમાજમાં ‘જ્ઞાતિ સંગઠન’ના નામે નવો રાજકીય ઈતિહાસ શરૂ થયો હતો.

‘જનસંખ્યા બળ’નો ઉપયોગ કરી ‘વિધાનસભા’ અને ‘લોકસભા’માં પણ કોળી સમાજના પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરી. ઉચ્ચ કક્ષાની રાજકીય સફળતાના ભાગરૂપે ઈ.સ. ૧૯૬૭ માં ગુજરાતમાંથી કોળી સમાજના પાંચ સભ્યો વિજેતા થયા હતા. આટલી મોટી રાજકીય સફળતા અને સૌથી મોટા ‘જનસંખ્યા બળને કારણે સમસ્ત કોળી સમાજમાંથી “કોળી કોમનો મિનિસ્ટર’ હોવા માટેની માંગ થઈ. આખરે ગુજરાતના રાજકીય પક્ષોએ કોળી કોમનો મિનિસ્ટર’ બનવા માટે પ્રયત્ન શરૂ કર્યા અને આજના સમયે કોળી સમાજે પોતાના રાજકીય પૂર્વજોની આન અને બાન જાળવતું ‘મંત્રી પદ’ અને ‘રાજસભા પદ’ પણ હાંસલ કર્યું છે.

ગુજરાતમાં વિવિધ સમુદાયના કોળી સમાજનું રાજકીય વર્ચસ્વ ફરી એક વાર શરૂ થયું છે. “અખંડ કોળી’ શબ્દના વિવિધ કોળી કોમના સમુદાયોનું રાજકીય વર્ચસ્વ, ગુજરાતના રાજકારણમાં બહુ મોટી અસર કરે છે. ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્ર અને કચ્છની પચ્ચીસ બેઠકો, તેમજ દક્ષિણ ગુજરાતની બાર બેઠકો પર કોળી સમાજના મતો (વોટ) નિર્ણાયક સાબિત થાય છે. એક અંદાજ મુજબ ગુજરાત રાજ્યમાં કોળી સમાજના મતદારોની સંખ્યા (ઈ. સ. ૨૦૧૨ ના વર્ષના અંદાજ મુજબ) સવા કરોડ જેટલી છે.

આજના હરિફાઈના રાજકારણમાં કોળી સમાજના આટલી મોટી. સંખ્યાના મતદારોની અવગણના કોઈ પણ રાજકીયપક્ષને પાલવે તેમ નથી. અગ્રણી સમાચારપત્રોએ પણ આ બાબતનો લેખ પ્રકાશિત કર્યા છે. આટલી વિરાટ વાતમાં, એક નાની ખાનગી વાત… કોળી સમાજને સદીઓથી ‘અલગતા’નું ઝેર આપનાર તત્વો જંપીને બેઠા નથી. અલગતાવાદી રાજકારણી તત્વોએ અખંડ કોળી સમાજની તમામ પેટા જ્ઞાતિઓની એકતા પર ન પૂરી શકાય તેવી તિરાડ પાડી દીધી છે.

દરેક રાજકીય પક્ષો કોળી, સમાજનું ‘વોટ બેંક રાજકારણ’ ખેલી રહ્યા સદીઓ પહેલા પુષ્યમિત્રશંગે કોળી સમાજની કોમી એકતા પર વજઘાત કર્યો હતો. આ વજઘાત પર નમક (મીઠું) ભભરાવવાનું કામ આજનો દરેક રાજકીય પક્ષ કરી રહ્યો છે. હાલ તમામ અગ્રણી રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એક જ સીટ ઉપર, કોળી સમાજમાંથી જ, કોળી સામે કોળી” ઉમેદવારને ટિકિટ આપી, કોળી સમાજની એકતાને તોડવાનું મહાભયંકર રાજકારણ ખેલી રહ્યા છે.

વર્તમાન સમયના આવા કાંકરીઉછાળ રાજકારણની સ્પર્ધામાં કોઈપણ રાજકીય પક્ષના કોળી રાજકીય આગેવાન જો “પહેલા સમાજ, પછી રાજકીય પક્ષ’નું સૂત્ર અપનાવે, તો જ સમસ્ત કોળી સમાજની એકતા ‘અખંડ’ રહેશે. એક થયેલા “અખંડ કોળી સમાજ’માંથી, જો કોઈ પ્રતિભાશાળી કોળી માણસને કોળી સમાજનો પોતાનો સ્વતંત્ર ‘રાજકીય પક્ષ’ સ્થાપવાની સબુદ્ધિ કદાચ આવી જાય તો…. તો પછી કોળી સમાજના આ રાજકીય પક્ષને ગુજરાતની ‘રાજગાદી’ પર બેસતા કોઈ પણ અટકાવી શકે તેમ નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *