ગુજરાતની છોકરીને ફેસૂબક પર દિવ્યાંગ છોકરા સાથે થયો પ્રેમ, ફ્લાઈટ પકડીને પહોંચી ગઈ બિહાર
પટણા, બિહારઃ ગુજરાતમાં હીરા વેપારીની દીકરીની બિહારના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક સાથે ફેસબુક પર મિત્રતા થઈ. બંને ક્યારે પ્રેમમાં પડ્યા તેની તેમને પણ ખબર ના પડી. યુવક બંને પગથી દિવ્યાંગ છે, જેના કારણે યુવતીએ અચાનક મોબાઈલ સ્વિચ ઓફ કરી સીધી પટણા પહોંચી ગઈ. 3 દિવસ પછી બંને દુલ્હા-દુલ્હન બની લગ્ન કરવા માટે મંદિર પહોંચ્યા ત્યારે ફિલ્મી સ્ટાઈલમાં યુવતીના પિતા પોલીસ સાથે ત્રાટક્યા. જે પછી પોલીસ બંનેને સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ત્યાં પેપરવર્ક પૂર્ણ કરી ગુજરાત લઈ રવાના થઈ. જો કે આ બનાવ એકાદ વર્ષ પહેલા બન્યો હતો, પણ હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થતા આ કિસ્સાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
ગુજરાતના અંકલેશ્વરમાં રહેતી હીરા વેપારીની દીકરીની પટણાના કદમકુવા સ્થિત લોહાનીપુરના દિવ્યાંગ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આકાશ સાથે ફેસબુક પર મિત્રતા થઈ. આકાશ બંને પગેથી દિવ્યાંગ છે. બંને વચ્ચે નિકટતા વધતા ફોન પર પણ વાત થવા લાગી. ધીમે-ધીમે બંને પ્રેમમાં પડ્યા અને એકબીજા સાથે જીવવા-મરવાના સોગંધ લીધા. આ સમયે તેમણે લગ્નનો પણ નિર્ણય કરી લીધો. જે પછી હીરા વેપારીની દીકરી પોતાના નવા જીવનનો પ્રારંભ કરવા માટે 27 ઓગસ્ટે ઘરથી ફરાર થઈ. ત્યાંથી ડાયરેક્ટ ફ્લાઈટ પકડી પ્રેમી આકાશના ઘરે પહોંચી હતી.
બંને પ્રેમી 3 દિવસ સાથે રહ્યાં. રવિવારે બંને ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગુલામ ચોક પાસેના ધર્મશાળા મંદિરમાં લગ્નના જોડામાં પહોંચ્યા અને લગ્નની વિધિ શરૂ કરી. આ સમયે જ ગુજરાત પોલીસ, કદમકુવાં પોલીસ સાથે મંદિરે પહોંચી. બંનેને પોલીસે ત્યાંથી જ પકડ્યા. યુવતીએ પોતાને પુખ્તવયની જણાવી. ગુજરાત પોલીસ સાથે યુવતીના પરિવારજનો પણ હતા, જેઓ તેને કદમકુવાં પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં પેપરવર્ક પુર્ણ થતા જ ગુજરાત પોલીસ બંનેને પોતાની સાથે લઈ રવાના થઈ.
ફેસબુક પર બંને વચ્ચે વાતચીત થઈ હતી. જે પછી ગુજરાત પોલીસને યુવતીના મોબાઈલની અંતિમ લોકેશન લોહનીપુરમાં મળી. જે પછી ગુજરાત પોલીસે પટણાના એસએસપી સાથે સંપર્ક કર્યો. જે પછી એક ટીમ યુવતીના પરિવારજન સાથે ફ્લાઈટથી સાંજે પટણા પહોંચી. જ્યાંથી કદમકુવાં પોલીસ તથા ગુજરાત પોલીસની ટીમ લોહાનીપુરના દાસ લેન ગઈ તો જાણ થઈ કે બંને લગ્ન માટે મંદિરે ગયા છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેને પકડી લીધા હતા.
આકાશના પિતાની ડેકોરેશનની દુકાન છે. તેમણે જણાવ્યું કે, મોબાઈલ લોકેશનથી ગુજરાત પોલીસ પટણા પહોંચી હતી. જ્યારે સ્થાનિક પોલીસના નિશિકાંત નિશિએ જણાવ્યું કે, દીકરીના ભાગ્યા બાદ તેના પરિવારજનોએ કેસ કર્યો હતો. તેનો મોબાઈલ 1-2 દિવસ બંધ હતો. પોલીસે યુવતીના મોબાઈલ અને ફેસબુક હિસ્ટ્રીને તપાસતા આકાશ સાથેની તેની સતત વાતચીતની માહિતી સામે આવી હતી.