ઘોઘા બંદરને જરા જુદી રીતે યાદ અને ઐતિહાસીક બાબતો જે તમે ભાગ્યેજ જાણતા હશો

લોતિકા વરદરાજન નામની લેખિકાનું એક દળદાર માહિતી સભર પુસ્તક ગુજરાત એંડ ધ સી (ગુજરાત અને દરિયો) વાંચવા મળ્યું. ગુજરાતના 1664 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સાથે સંકળાયેલ પ્રાચીન અને અર્વાચીન વિગતોને સાંકળતું પુસ્તક રસપ્રદ છે. દરિયાનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર યાદ આવી જાય અને તેમાય ખાસ કરીને ઘોઘા. ઘોઘામાં એવી તે કઈ ખુબીઓ હતી કે તેના ભૂતકાળને વિસરી શકાતો નથી ઘોઘા એટલે ભાવનગરથી 30 મીનીટના અંતરે આવેલું એક જમાનાનું ધીકતું બંદર. દરિયાના મોજાની થપાટો તેના કિનારાને વાગતી હોય અને બારામાં દેશવિદેશના વહાણો લંગર નાગરીને પડ્યા રહેતા હોય. ઝાકઝમાળ અને જાહોજલાલીથી ભરપૂર ઘોઘા ક્રમશ: તેની ચમક ગુમાવી અત્યારે ફક્ત ભેંકાર અને સૂમસામ બની ભાતીગળ દિવસોને યાદ કરી રહ્યું છે

એક જમાનો હતો કે ઘોઘા બંદરનો સુર્ય ઝળહળતો હતો કમનસીબે આઝાદી પછી તેનો વિકાસ રૂંધાઇ ગયો અને ઝળહળતો સુર્ય અસ્ત થઇ ગયો ઘોઘા બંદરનું નામ પ્રખ્યાત રાજપૂત યોદ્ધા ગોગોજી પરથી ઉતરી આવ્યું હોવાનો ઇતિહાસવિદોનો મત છે ઉપરાંત તેના દરિયાકાંઠે મળતા શંખ ગોગાલા પરથી પણ નામ પડ્યું હોવાનું કહેવાય છે. નામ સાથે જોડાયેલી અનેક લોકવાયકાઓ પ્રચલિત થતી હોય છે તેથી સત્યતા ક્યારેક ઢંકાઈ જાય છે વિવિધ ઐતિહાસિક ગ્રંથો અને નોંધોના અભ્યાસથી એવું ફલિત થતું કે વિદેશી નાગરિકો તરીકે સૌપ્રથમ આરબ વેપારીઓ 7મી સદીની આસપાસ ઘોઘા બંદરે આવ્યા હતા ત્યારથી શરૂ કરીને અંગ્રેજ શાસન ના કાળ સુધી મહાકાય વહાણો ઘોઘા બંદરે આવતા હતા વેપાર-ધંધાનું એક મોખરાનું સ્થળ ઘોઘા બની ગયું હતું તેનું કારણ ઘોઘામાં વસતા જૈન સમુદાયનો ફાળો આ વિકાસમાં મહત્વનો હતો. શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયના દેરાસરો આજે પણ ઘોઘામાં છે. આર્થિક વિકાસથી માંડી ધાર્મિક, રાજકીય, વ્યાપાર-વાણિજ્યની દ્રષ્ટિએ જૈન શ્રેષ્ઠીઓએ યોગદાન આપેલું

પરદેશી વેપારીઓ ભારતનાં અનેક મોટા બંદરો પર પોતાના વહાણો લઇ આવતા ત્યારે અનેક વેપારીઓ પરદેશથી વેપાર કરવા ઘોઘા બંદરે આવતા હતા. સુકો મેવો, મસાલા, અકિક પથ્થરો, કપાસ, કાપડ, લાકડું, ગળી અને હિરાના વેપાર અર્થે મધ્ય પૂર્વના આરબ વેપારીઓ અને આફ્રિકાના વેપારીઓ ઘોઘા આવતા. આ વેપારીઓ પોતપોતાની ધાર્મિક નીતિરીતિઓ મુજબ ધાર્મિક અનુષ્ઠાન સાથે લાવતા હશે. ઘોઘામાં આમ જૈન મુસ્લિમ, હિંદુ સહિતનાં ધર્મોનો સુભગ સમન્વય ઘોઘા બંદરે જોવા મળતો અંગ્રેજ સરકારના 1908 ના ઇમ્પીરિયલ ગેઝેટ અનુસાર ઘોઘા બંદર શ્રેષ્ઠ નાવિકો માટે જાણીતું હોવાનું દર્શાવાયું છે. “લંકાની લાડી અને ઘોઘાનો વર” કહેવત ઇશારો કરે છે કે જૂના જમાનામાં ઘોઘા બંદરનો સંબંધ શ્રીલંકા સાથે રહેલો છે અને વેપાર ક્ષેત્રે એકદમ નજીકથી જોડાયેલું હશે. 10 થી 16મી સદી સુધી વેપારનું મુખ્ય મથક રહેલું હતું ચાલુક્ય વંશનાં શાસન દરમિયાન ઘોઘા નાવિકો કે ખલાસીઓનું જન્મસ્થાન ગણાતું


મરચ મીઠું અને ખાંડની આયાત-િનકાસ થતી હતી. ઘોઘાનો દરિયો કરંટવાળો હોવાથી રક્ષણ માટે દિવાલ બનાવવી પડી હતી. ઘોઘાથી ભરુચ અને મુંબઈ જવા માટે વહાણ ઉપડતા મુસાફરીના વહાણો રવાના થવાના હોય તેના બે દિવસ પહેલા ગામમાં ઘંટ વગાડીને વહાણ ઉપાડવાની જાણ કરાતી હતી ઘોઘાના નિવાસીઓ આ પ્રકારની ખેપકરીને મુંબઈથી કમાણી કરી પાછા આવતા અને ઘોઘાને સમૃધ્ધ બનાવતા. ઘોઘામાં કૂતરા ભસે તેનો અવાજ ભરૂચમાં સંભળાતો એ વાયકા તો વર્ષો સુધી રહી હતી. એકસમયે ભાવનગર ઘોઘા કહેવાતું હતું જ્યારેઘોઘા બંદરનો દબદબો હતો ત્યારે ભાવનગરની ઓળખ ઘોઘા હતી ચીની મુસાફર ફાહિયાને ભારતમાં ર૦ વર્ષ ગાળ્યા બાદ ઘોઘાથી દક્ષિણ ભારત જવા દરિયાઇ મુસાફરી આરંભી દરિયામાં તોફાન નડતા વહાણનું વજન હલકું કરવું પડે તેમ હતું ફાહિયાન નિરાશ થયો. ત્યારે ઘોઘાના ખારવાઓએ કહયુ અમે તમારા પુસ્તકોનો નાશ નહી થવા દઇએ તમે અમારા દેશની વિદ્યા લઇ જાઓ છો તે સચવાશે તો તમે ઘોઘાને યાદ કરશો અને આ બંદર વધું વિસ્તાર પામશે એ વિદ્યાનો આમ નાશ થાય એ કરતા બહેતર છે કે અમારામાંથી ત્રણ-ચાર જણ જળસમાધિ લે. આમ ઘોઘાના માણસોએ ફાહિયાન તથા પુસ્તકો બચાવવા પોતાના જાનની કુરબાની આપી હતી

ઘોઘા વેપાર માટે મહત્ત્વનું બંદર કહેવાતું સમૃધ્ધ ઘોઘા શહેર ઉપર આરબો મુસ્લિમો પોર્ટુગીઝોના આક્રમણો ક્રમશઃ થતા રહયા છે તેથી બંદરની ચડતી પડતી પણ અનેક વખત આવી ઇ.સ 1842 માં ફરી ઘોઘા બંદર વેપાર-વણજમાં જામી ગયુ હતુ આ સમયે કાઠીયાવાડીનાં કિનારે 62 બંદર હતા જેમાં 12 બંદર જ વેપારનાં મુખ્ય કેન્દ્રો હતા તેમાં પણ ઘોઘા મુખ્ય અને અગત્યનુ બંદર હતુ ઇ.સ 1849-50ના વર્ષમાં ઘોઘાનો વેપાર 72 લાખ રૂપિયા હતો. જયારે તે વર્ષે ભાવનગર બંદરે માત્ર 7 લાખ રૂપિયા હતો ઘોઘાનો ઈતિહાસ અનેક જાહોજલાલીથી ભરપૂર હતો ઘોઘા બંદરે અનેક ચડતી–પડતી જોઈ છે તેના પરિણામરૂપે ઘોઘામાંથી ખોદકામ કરતા પ્રાચીન મૂર્તિઓ, સિક્કાઓ, માટીના વાસણો વગેરે વસ્તુઓ અનેક વખત મળી આવી છે આ ઐતિહાસિક વસ્તુઓ તે સમયના ઘોઘાની સમૃધ્ધિનો નિર્દેશ કરતી હતી

ખજુરીયા ચોક નામથી જાણીતો વિસ્તાર જુના સમયમાં ખજુરના ગોદામોથી ભરેલો હતો અરબસ્તાની ઘોડાઓની આયાત માટે પણ ઘોઘા પ્રખ્યાત હતું તેથી જ બીજી કહેવત પડી છે કે કહો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉ ઘોઘામાં રેક જ્ઞતિના લોકો વસતા હતા. ઘોઘામાં કુંભારવાડા પખાલીવાડા સોનીવાડા ધોબીવાડા નાગરવાડા મોકરકવાડા મુનારવાડા મચ્છીવાડા, બારવાડા, વરકુવાડા, માલમવાડા જેવા વાડાઓ છે. આટલી વસ્તીને પહોંચી વળવા અહી 108 કૂવા તથા 7 તળાવો હતા

જુના સમયમાં વણિકો અને નાગરોની મોટી વસ્તી ધરાવતુ ઘોઘા બંદર નષ્ટપ્રાયઃ થતા વસ્તી ધીમેધીમે ઘટતી ગઇ પરંતુ આજે વેપાર નષ્ટ થતા વણિકો અને નાગરો રહ્યાં નથી આજે ઘોઘામાં કોળી/મુસ્લિમોની મોટી વસ્તી છે. તો તાલુકામાં ક્ષત્રિય, કોળી ખરક, કુંભાર, બ્રાહમણ વગેરે જ્ઞાતિઓ જોવા મળે છે ઘોઘામાં મહાકાળી માતાજીનુ મંદિર,હાટકેશ્વર મહાદેવ મંદિર, જૈનોનુ નવખંડા પાર્શ્વનાથ દેરાસર, દિગંબર સંપ્રદાયનુ દેરાસર, જુના સમયની મસ્જિદો, તેમજ સૌરાષ્ટ્રનુ સૌથી જુનુ ચર્ચ ઘોઘામાં જોવા મળે છે આમ રંગબેરંગી ઈતિહાસ ધરાવતું ઘોઘા ઘણાં બધાં લોકોની જેમ મારું પણ વતન છે રાજેશ ઘોઘારી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *