જાણો શ્રી રામદેવપીર ના પ્રાગટય વિષે અને શા માટે ભાદરવા સુદ બીજ

મૃત્યુ અથવા વારસદાર-બેમાંથી માત્ર એક મેળવવાના મજબૂત મનોબળ સાથેની અજમલજીની કાશીનાથની યાત્રામાં કાશીનાથે દ્વારકાધીશના દર્શનનો સંકેત આપ્યો. કાશીનાથના સંકેતથી અજમલજી દ્વારકાધીશના દર્શને ગયા. દ્વારકાધીશના દર્શન માટે ખૂબ ભીડ હતી.અજમલજી દ્વારકાધીશને દુ:ખી મને અને વ્યથીત હૃદયે પોતાની મનોવ્યથા કહી રહ્યા હતા. ચોથાર આંસુએ વારંવાર વિનંતી કરી રહ્યા હતા. પરંતુ કોઇ પ્રત્યુત્તર ના મળતા અજમલજીએ પ્રસાદના થાળમાં રહેલો લાડુ જોરથી મૂર્તિ પર માર્યો.

ભાવિક ભક્તો કુતૂહલથી અજમલજીને જોઇ રહ્યા. પોતાની જાતને ભગવાનના સીધા વારસદાર તરીકે ઓળખાવતા મંદિરના પૂજારીએ રાજા અજમલજીને પાગલ કહ્યા. મંદિરના પૂજારીએ કટાક્ષયુક્ત શબ્દોથી રાજા અને ભગવાનનું અપમાન કરતા કહ્યું કે – ‘ભાઇ, તારો ભગવાન તો દરિયામાં રહે છે. તારે ભગવાનના દર્શન કરવા હોય તો દરિયામાં પડ’. શ્રદ્ધા, ભક્તિ અને ભોળા સ્વભાવના અજમલજી ને મંદિરના પૂજારીના કટાક્ષ વાક્યો પણે સાચા લાગ્યા અને રાજા અજમલજીએ દ્વારકાધીશના દર્શન કરવા દરિયામાં છલાંગ લગાવી દિધી.

આ સાથે જ દરિયાના પેટાળમાં એક અલૌકિક ઘટના બની. દિવ્યતેજ સ્વરૂપ પરમશક્તિએ અજમલજીને દર્શન આપ્યા.પરમશક્તિ બધું જ જાણે છે, તેને કંઇજ કહેવાની જરૂર પડતી. નથી. પરમ જ્ઞાની એવી પરમશક્તિએ માનવ ધર્મની રક્ષા માટે અને ભટકેલા માણસોને સાચો મારગ બતાવવા માટે પોકરણગઢમાં પધારવાનું અજમલજીને વચન આપ્યું. અજમલજીએ દ્વારકાધીશ આગળ મનની શંકા વ્યક્ત કરતા કહ્યું કે – પ્રભુ, આમના આગમનની મારા જેવા પામર મનુષ્યને કેવી રીતે ખબર પડશે?

આપના આગમન સમયની કંઇક એંધાણી આપો જેથી મને ખાત્રી થાય કે આપ પધાર્યા છો. અજમલજીની શંકાનું સમાધાન કરવા દ્વારકાધીશે કહ્યું – ભક્ત, મારો જન્મ થતા જ ઘરમાં રહેલા ધાતુના વાસણોમાં ધ્રુજારી સાથે ખખડવાનો અવાજ આવશે. પૂજા સ્થળ પર રાખેલ શંખમાંથી આપોઆપ મધુર અવાજ સંભળાશે. જન્મ બાદ હું પારણામાં પોઢીશ, તે સમયે ઘરમાં પાણી ભરેલા વાસણો દૂધથી ઉભરાઇ જશે.

પોતાના જન્મ સમયની નિશાનીઓ આપ્યા બાદ દ્વારકાધીશે અજમલજીને ચાર વસ્તુઓ (૧) રતન કટોરો (૨) વીર ગેડીયો (૩) પીતામ્બર અને (૪) કાળી માળાના બે ફૂલ, પૂજા સ્થળ પર રાખવા માટે આપ્યા, અને અજમલજીને સહીસલામત દરિયાના કિનારા પર પહોંચાડી દિધા. ક્ષણ વારમાં આ બધુ શું થઇ ગયું અને કેવી રીતે થઇ ગયું તેની અજમલજીને કંઇજ ખબર ના પડી.

માનવીના જીવનમાં પણ ઘણી વાર એવી ઘટના ઘટતી હોય છે કે માનવી કશુંજ સમજી શક્તો નથી કે શું થયુ, અને કેવી રીતે થયું. ક્ષણવારમાંજ ઘણુ બધુ બની જતુ હોય ! જેને સમજવા જ્ઞાનીઓનું જ્ઞાન અને વિજ્ઞાનના પ્રયોગો પણ નકામાં બની જાય છે. રાજા અજમલજીને પણ દિવ્ય સ્વપ્ન જોતા હોય તેવો અહેસાસ થયો. પોકરણગઢ આવીને દિવ્ય સ્વપ્ન જેવા આ પ્રસંગના વિચારોમાંજ મગ્ન રહેવા લાગ્યા. સમય જતી રાણી મીનળદેની કુખે, ઇ.સ. ૧૪૧૨ (વિક્રમ સંવત ૧૪૬૮), મહા સુદ પાંચમ, વસંત પંચમીના શુભ દિવસે એક દિકરાનો જન્મ થયો. પોકરણગઢની

તમામ પ્રજાએ આનંદ-ઉત્સવની ઉજાણી કરી. આ દિકરાનું નામ ‘વીરમદેવ’ રાખવામાં આવ્યુ. વીરમદેવના જન્મ બાદ બરાબર એક વર્ષ એટલે કે ઇ.સ.૧૪૧૩ (વિક્રમ સંવત ૧૪૬૯), ભાદરવા સુદ બીજના શુભ દિવસે , અને શુભ ચોધડીયે, વહેલી પરોઢીયાના શુભ સમયે પરમશક્તિ કુમ કુમના પગલાથી પધારીને વીરમદેવની સાથે પારણામાં પોઢી.

પરમશક્તિના પ્રાગટ્ય વિષે ચોક્કસ સંવત, ચોક્કસ તિથિ અને ચોક્કસ તારીખ અંગે ચોક્કસ માહિતી ઉપલ્બધ નથી, લોક વાયકાથી મળેલ માહિતી મુજબ રાજસ્થાનના લોકો ઇ.સ. ૧૪૧૩, વિક્રમ સંવત ૧૪૬૯, ભાદરવા સુદ બીજના શુભ દિવસને રામદેવરાનું પ્રાગટ્ય માને છે. જયારે ગુજરાતના લોકો ઇ.સ. ૧૪૦૫, વિક્રમ સંવત ૧૪૬૧, ભાદરવા સુદ અગિયારસના વહેલી પરોઢીયાના શુભ સમયને રામદેવરાનું પ્રાગટ્ય માને છે. એક લેખકશ્રી તેમના એક ગ્રંથમાં ઇ.સ.૧૩૫૧, વિક્રમ સંવત 1809, ચૈત્ર સુદ પાંચમે રામદેવરાનું પ્રાગટ્ય થયેલુ લખે છે. ઇન્ટરનેટ પર ઇ.સ.૧૩૫૨, વિક્રમ સંવત ૧૪૦૯માં રામદેવરાનું પ્રાગટ્ય થયા અંગેની માહિતી છે.

માનવીના મનમાં શંકા અને કુશંકા પેદા થતી જ રહે છે.- ઇંડા વગર કેવી રીતે મરઘી ? અને મરઘી વગર કેવી રીતે ઇંડુ ? પરંતુ જેવી રીતે સૃષ્ટિ સર્જન સમયે પરમ પ્રકાશીય પુંજમાંથી સ્વયંભુ શિવનું પ્રાગટ્ય થયું હતું, તેવી જ રીતે કળીયુગના સમયમાં ફરી એક વાર પરમ પ્રકાશીય પુંજમાંથી મનુષ્યય રૂપનું પ્રાગટ્ય થયું હતું, તેવુ જ્ઞાનીઓનું માનવુ છે. આખરે તો સમસ્ત સૃષ્ટિમાં પરમતત્વ અર્થાત પરમશક્તિ જ સ્વયંભૂ સર્જક, પોષક , પાલક અને સંહારક છે.

સૃષ્ટિ સર્જનના ભેદને પામર મનુષ્ય કયારેક પામી નહીં શકે. ઇ.સ. ૧૪૧૩ (વિ.સ.૧૪૬૯), ભાદરવા સુદ બીજના પરોઢે મીનળદેએ જાગીને પારણામાં જોયું તો તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો.પારણામાં બે બાળકો રમી રહ્યા હતા. ઓરડામાં પારણાથી દરવાજા સુધી કંકુ પગલીયો પડેલી હતી. આ સમાચાર રાજા અજમલજીને આપવામાં આવ્યા.આશ્ચર્ય સાથે અજમલજીએ નવા બાળક તરફ નજર કરી. તેની સાથે જ અજમલજીને દ્વારકાના દરિયાની પરમશક્તિની યાદ આવી ગઈ.

દ્વારકાના દરિયામાં પરમશક્તિએ આપેલ વચન પણ યાદ આવ્યું. ઘરમાં પાણી ભરેલા વાસણો દૂધથી ઉભરાવા લાગ્યા.

મીનળદેએ ચૂલા પર મૂકેલ દેગ (પાણી ભરવાનું વાસણ)માંથી ગરમ દૂધ ઉભરાતા, બાળ પરમશક્તિએ પારણામાંથી જ હાથ લંબાવ્યો. ઉકળતા દૂધની દેગ ચૂલા પરથી નીચે ઉતારી, માતા મીનળદેને પોતાના પ્રાગટ્યનો પ્રથમ પરચા આપ્યો. માનવ ધર્મની રક્ષા માટે પોકરણગઢના વારસ બનીને કુમ કુમ પગલે પધારેલી પરમશક્તિને રાજા-રાણીએ નમન કર્યા. બધુ જ ભુલીને, હર્ષ અને ઉલ્લાસ સાથે આ પરમશક્તિનો વીરમદેવના નાના ભાઇ તરીકે સૌએ સ્વીકાર કર્યો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *