પવિત્ર શેત્રુંજી નદીના તટ પર બિરાજમાન ત્રિવેણી મહાદેવ વિશેનાં માહાત્મ્ય વિશે જાણીએ
આપણે ભાવનગરમાં આવેલ અનેક મહાદેવનાં મંદિરોની પૌરાણિક કથા વિશે જાણ્યું છે. ચાલો આજે આપણે ત્રિવેણી મહાદેવ વિશે જાણીશું! ગોહિલવાડની ગંગા ગણાતી અને લોકમુખે રોતલગંગા તરીકે જાણીતી લોકમાતા શેત્રુંજી નદીના બંન્ને કિનારા ઉપર સંખ્યાબંધ શિવાલયો ઉપરાંત પવિત્ર દેવી દેવતાનાં સ્થાનકો આવેલા છે. આ નદીના બંન્ને કિનારે વૃક્ષ આચ્છાદિત રમણિય સ્થળો ઉપર આવેલા દેવના સ્થાનકો નદીની શોભા અને પવિત્રતામાં અનોખો વધારો કરે છે.
આવું એક પુરાતન અને પાવન સ્થળ દાંત્રડ ગામ નજીક શત્રુંજી નદીના કિનારે “ત્રિવેણી મહાદેવ મંદીર” આવેલુ છે. નદીના કિનારાની એકદમ અડોઅડ આવેલા આ નૈસર્ગિક પરિસરમાં સ્વયંભૂ પ્રગટેલું શિવલીંગ છે.પૌરાણિક અને પ્રાકૃતિક સ્થળ ગણાતું આ સ્થળ સિદ્ધક્ષેત્ર ગણાય છે. પુરા કદના શિવાલય તેમજ ઓરડાઓ અને ખુલ્લા પરિસરમાં આવેલા વૃક્ષરાજ વડ સમગ્ર સંકુલની શોભા વધારે છે, પ્રતિ શ્રાવણ માસમાં અહીં વિશેષ ભીડ રહે છે.સામે કિનારે હબૂકવડ ગામ તથા ટીમાણા ગામ તાબામાં એક-એક શિવ મંદિરો બંધાયેલા છે.
અહીં શેત્રુંજી નદીમાં ઉતાવળી નદી ભળે છે. જેથી ત્રિવેણી સંગમ થાય છે, આવા ત્રિવેણી સંગમના સ્થાને શિવ મંદીરનું વિશેષ મહત્વ હોય છે. લોકો શ્રદ્ધાભેર અહીં આવે છે, શ્રાવણ માસમાં વિશેષ પૂજન અર્ચન થાય છે. શ્રાવણ માસની. અંતિમ દિને ભાદરવી અમાસના રોજ અહીં એક દિવસીય લોકમેળાનું સ્વયંભૂ આયોજન થાય છે. બાળકો તથા યુવાનો યુવતીઓ અને શ્રદ્ધાળુઓ ભાગ લે છે. મેળાઓના ઈતિહાસમાં ટૂંકા સમયનો ગણાતો ત્રિવેણી મેળા માટે એટલે જ કહેવાય છે કે,“ત્રિવેણીનો તરત મેળો બપોર થાય ત્યાં ઘર ભેળો”…!!