ભાવનગરના બચુભાઈ દૂધવાળા : એક લાંબી સફર 1914 ની સાલ. ભાવનગરમાં ભગાતળાવમાં હવેલીવાળી શેરીમાં ત્રંબકલાલ પારેખ નામના સાહસિક સજ્જને દૂધ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો.
ભાવનગરના બચુભાઈ દૂધવાળા : એક લાંબી સફર 1914 ની સાલ. ભાવનગરમાં ભગાતળાવમાં હવેલીવાળી શેરીમાં ત્રંબકલાલ પારેખ નામના સાહસિક સજ્જને દૂધ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ત્રંબકલાલને ઘરમાં સૌ બચુભાઈ કહેતા. લોકોને ત્રંબકલાલ નામ બોલવામાં અડવું લાગતું એટલે જ્યાં એ રહેતા હતા ત્યાંના લોકો કહેતા કે જા, બચુભાઈને ત્યાંથી દૂધ લઈ આવ. અને દુકાનનું નામ બચુભાઈ દૂધવાળા લોકજીભે થઈ ગયું. ત્રંબકની જગ્યાએ બચુભાઈ બોલવું એકદમ સહેલું હતું.
અને આ બચુભાઈ નામે ત્યાર પછી કમાલ કરી અને ભાવનગરમાં દૂધ અને પછી શ્રીખંડ માટે બચુભાઈનો શ્રીખંડ એ એક બ્રાંડ નેમ થઈ ગયા. આજે 106 વર્ષ પછી બચુભાઈના નામે બહુ પ્રગતિ કરી છે અને બચુભાઈની પાંચમી પેઢી વ્યવસાયનું સંચાલન કરે છે દૂધના વિતરણમાં જે દૂધ વધતું હતું તેનો શો ઉપયોગ કરવો એ મથામણમાં બચુભાઈના વિચારશીલ દિમાગે રસ્તો શોધી કાઢ્યો અને તેનો શ્રીખંડ બનાવી બજારમાં મૂક્યો. બચુભાઈનો શ્રીખંડ એ નામ ભાવનગરના ઘરે ઘરે બોલાવા લાગ્યું. હવેલીવાળી શેરીમાં ઊંચી નહી એવી બેઠા ઘાટની દુકાનની આગળ રવિવાર અને રજાના દિવસ કે તહેવારોમાં બચુભાઈને ત્યાં શ્રીખંડ માટે કતારો થતી.
થડા ઉપર બેઠેલા શેઠ શ્રીખંડ ત્રાજવામાં તોળી તેમાં ગુલાબની પાંખડી અને ચારોળી ભભરાવતા એ દ્રશ્ય આજે પણ માનસપટ ઉપર કોતરાયેલું છે બચુભાઈના ગુલાબની પાંખડી અને ચારોળીવાળા શ્રીખંડે ભાવનગરમાં એક કામણ ઉભું કરી દીધું હતું. શ્રીખંડમાં ભભરાવેલી ગુલાબની પાંખડીઓ ઘરે પંહોચો ત્યાં સુધીમાં શ્રીખંડમાં એક માતબર મહેક અને સ્વાદમાં આંગળાં ચટાઈ જાય એવી લાલચ ઉભી કરી દેતી. આંગળા ચાટીને ખાવાની રીત અર્થાત ભરપેટ ભોજન કરવાની પ્રક્રિયામાં મૂળભૂતે તો બચુબાઈનો શ્રીખંડ જ છે !
૧૯૭૦ ની આસપાસના વર્ષોમાં ઈલાયચી, કેસર મેંગો અને પિસ્તા એમ ચાર સ્વાદમાં જ શ્રીખંડ મળતો અને ભાવનગરમાં બચુભાઈનો શ્રીખંડ ઘરે ઘરે જાણીતો હતો. ત્યારે આજની જેમ પ્લાસ્ટિકના ડબા ન હતા. તમારે ઘરેથી સ્ટીલ/પીતળની બરણી કે ડબ્બો લઈને દુકાને જવાનું અને શ્રીખંડ તમને ત્રાજવામાં જોખીને આપે. ત્યાર બાદ પીસ્તા, ચારોળી, કાજુ કે કેસરનો શ્રીખંડ ઉપર છંટકાવ કરે અને તમારે ઘરી આવીને આ શ્રીખંડને હલાવી નાખવાનો. ઘરે લગભગ પૂરી તો તૈયાર જ હોય. સાથે ખમણ કે પાત્રા હોય અને જૈન કુટુમ્બમાં કઢી અને ભાત હોય. બચુભાઈ દૂધવાળા શ્રી કાંતિભાઈ પારેખ તો તાજા ગુલાબની ઠંડી પાંખડીઓ શ્રીખંડ ઉપર ભભરાવી આપતા એટલે ઘરે પંહોચો ત્યાં સુધીમાં શ્રીખંડમાં સરસ સુવાસ બેસી જતી.
શ્રીખંડ એક ગળ્યો પદાર્થ હોવાથી તેને આરોગ્યા પછી તન અને મનને પ્રફુલ્લિત કરી દે છે. વ્યક્તિને ખુશખુશાલ બનાવી દે છે. જ્ઞાતિભોજન કે ખુશીના પ્રસંગોમાં કુટુમ્બમાં ભોજન સમારંભ હોય તો લોકો જમ્યા પછી આનંદથી લોકો એકબીજાને પૂછતા કે બચુભાઈના કેટલા લોંદા ખાધા ? કેટલી વાટકી શ્રીખંડ ખાધો તે શબ્દ પ્રયોગ તો પાછળથી આવ્યો.
પ્લાસ્ટિક પાઉચમાં દૂધ મળતું થયું એટલે બચુભાઈએ ગૌરી બ્રાંડથી ભાવનગરને દૂધ આપવાનું શરૂ કર્યું. આજે તો અધેવાડા પાસે તેમનું દૂધ ઉત્પાદન કેન્દ્ર છે. દૂધનો મૂળ વ્યવસાય બચુભાઈની પેઢીને આજે દૂર સુધી લઈ ગયો છે. શ્રીખંડથી શરૂ કરેલ મીઠાઈનો પ્રવાહ પછી અન્ય મીઠાઈઓ બનાવા તરફ વળ્યો અને ત્યાંથી આગળ વધીને જાતજાતના નમકીન અને ફરસાણ, રેસ્તુંરા બીઝ્નેસ એમ અસ્ખલિત ધારામાં બચુભાઈ નામ આગળ વધતું ગયું.
બચુભાઈના કુંટુમ્બમાં નવી પેઢીઓના આગમનથી વ્યવસાય પણ આગળ વધતો ગયો અને હવેલીવાળી શેરીથી લઈ ઘોઘા સર્કલ, કાળા નાળા, રૂપાણી સર્કલ, ભાવનગર અમદાવાદ રોડ ઉપર ગેલોપ્સ સર્કલ એમ ઠેકઠેકાણી શાખાઓ ઉભી થવા લાગી. કુટુમ્બના વધતા વ્યાપથી ભાઈઓ અને તેમના સંતાનો બચુભાઈ એ નામ હેઠળ જ મીઠાઈ અને નમકીનના વ્યવસાયમાં આગળ વધતા ચાલ્યા.
ક્રેવ અને હેબ્બીસ એ નામથી મીઠાઈઓ અને નમકીન આજે ગુજરાતના દરેક જિલ્લાઓમાં મળતા થઈ ગયા છે. આ બન્ને નામ બચુભાઈના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. દિપાવલીના તહેવારોમાં તો ગુજરાતના બધા જ મોલ અને ડિપાર્ટમેંટલ સ્ટોર્સમાં ક્રેવની મીઠાઈઓ ખાસ કરીને બેસન લાડુ, ગુલાબજાંબું અને રસગુલ્લા અતયંત કિફાયતી ભાવે મળતા હોય છે.
ભારત દેશ તો અનેક વૈવિધ્ય ધરાવતો દેશ છે અને તેમાંય ખાવાની બાબતમાં પૂર્વ, પસ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓને ભેગી કરી જે વાનગીઓ કે મીઠાઈ બને તે વિશ્વમાં ક્યાંય સંભવી શકે નહી. બચુભાઈની આ નવી પેઢીએ આ ચાર દિશાનો બરોબર ઉપયોગ કર્યો અને ઉત્તરમાંથી હલવો, કાજુકતરી, લાડુ. દક્ષિણમાંથી કેળાની વેફર અને નારેયેળની ચીક્કી, પસ્ચિમમાંથી ગાંઠીયાં, પેંડા, બિકાનેરી સેવ ભુજીયાં અને પૂર્વમાંથી ગુલાબજાંબું અને રસગુલ્લા લાવી મીઠાઈઓએ અને નમકીનનું એક નવું ફ્યુઝન ગુજરાતને આપ્યું આ બધી મીઠાઈઓએ અને નમકીન માટે સુત્ર આપ્યું, ‘ દિલ સે ખાઓ, દેસી ખાઓ’. ‘તમે કામમાંથી થોડો વિરામ લેવા માગતા હો તો અમારા હેબ્બીસ નમકીનથી વિરામ લો’.
ક્રેવ એટલે ઈચ્છા, ઝંખના અને હેબ્બીસ એટલે કુટુમ્બના સભ્યોનું જૂથ. બચુભાઈ દૂધવાળાની નવી પેઢીએ આ બન્ને શબ્દોને આત્મસાત કરી લોકોના દિલોદિમાગ પર મીઠાઈની ઈચ્છાને સવાર કરાવી દીધી અને હેબ્બીસ શબ્દથી કુટુમ્બના બધા જ સભ્યો એક જ વ્યવસાયમાં જોડાઈ ગયા શબ્દોથી પણ દીર્ઘદ્રષ્ટી કેળવી શકાય છે