ભાવનગર : આ ગામ જીવે છે આપણામાં ચાલો જોઈએ જુની વાતો
જ્યાં તમારું બાળપણ. કિશોરાવસ્થા અને યૌવનના પગરણ મંડાયા હોય એ સ્થળ જેને આપણે ગામ, શહેર કે વતન કહીયે છીએ ત્યાં વારંવાર કેમ જવાનું મન થતું હશે ? જ્યાં શ્વાસનો પહેલો સિસકારો લાઈ શરીરની નાડી ધબકી હોય ત્યાં ફરી જવાનું મન કેમ થતું હોય છે ? આ ગામ તો બીજા ગામ જેવું જ છે. શેરીઓ, ડેલા, પોદળા, ઉબડખાબડ માર્ગો, રસ્તા ઉપર પડતો એઠવાડ, નવીન કશું નથી.
ગામ છોડ્યાને વર્ષો થયા છે તે ઘટના મનમાંથી ઉતરતી નથી. આ ઘટનાઓ એટલે તમારી સ્મૃતિમાં સતત જીવંત રહેતી ગામની ધુંધળી છાયા. કિશોરાવસ્થાથી માંડી ભરયૌવનના દિવસોની એ સાક્ષી છે. એ કાળખંડ ગામને મારી સાથે મારા સ્મૃતિકોષમાં જતનથી જાળવી રાખે છે. અત્યારે એ જ ગામમાં હજીય રહેતાં જયંત વ્યાસ, દીપક કોઠારી, ધીરેન પંડ્યા, જીતુ ઉપાધ્યાય, પ્રો. વિનોદ વ્યાસ ની સાથે હું એ ગામમાં ફરવા આવું છું અને સ્મૃતિઓમાં સળવળાટ શરૂ થઈ જાય છે.
અત્યારે જયારે ફરી એ જ શહેરમાં આવ્યો છું ત્યારે ક્યાં જાંઉં એ વિચાર વિમાસણમાં મૂકી દે છે. ક્ષણ ક્ષણ ફરી વરસો કાઢ્યા તે શેરીઓ અને રસ્તાઓ પરથી સડસડાટ પસાર થઈ જઉં છું. ફિલ્મમાં જેમ બનતું હોય તેમ હિરો અચાનક યુવાન થઈ જાય તેવું જ કાંઈક શહેરમાં આવવાથી બનતું હોય છે.
સાથે ભણેલા કેટલાય જુવાનોને અકાળે વૃધ્ધ થઈ જતા જોયા છે. કેટલાયના ચહેરા ઉપર પાર વિનાની કરચલીઓ પડી ગઈ છે તો કેટલાય અધવચે જ જીવનનો ભાર ખમી નહી હાંફી ગયા છે, આ શહેર છોડીને જાણે મેં તો દ્રોહ કર્યો હોય ને શહેર પારકું થઈ ગયું હોય તેવું લાગે? જોકે અહીં તો બધું એમનું એમ જ છે. એ જ શેરીઓ, એ જ રસ્તા, એ જ રસ્તાની ધાર પરના વૃક્ષો, એ જ ઘર, એ જ લોકો.
મામા કોઠા રોડ ઉપરના વિશાળ મકાનના ઓરડાઓ હવે બહારથી જ જોવાના રહે છે કારણ કે વર્ષો પહેલા એ સહીયારું મકાન વેચાઈ ગયું છે અને હવે માલસામાનનું ગોડાઉન બની ગયું છે. આ ઘર એટલે સંયુક્ત કુટુમ્બ, સ્થાનિક અને બહારગામથી સતત આવતા મહેમાનોનો પ્રવાહ, રસોડામાં ઉકળતી રહેતી ચાની તપેલી, મકાનના ટોડલા ઉપર બેસતી ચકલીઓ અને કબુતરો, રસ્તા ઉપરથી ઘરના દરવાજા સુધી આવી જતી ગાયો, પગથિયાં ઉપર કરી જતી પોદળો, આજુબાજુના ઘરોમાંથી આવતો કકળાટ અને બરાડાઓ. આવા ઘરમાં લાકડાની છત અને રવેશ. મોટી બારીઓ અને તેમાંથી દેખાતું આખી શેરીનું વિહંગીય દર્શન. જાતજાતના અવાજ અને શોરબકોરથી જીવંત થઈ ઉઠતી આ શહેરની દુનિયા દિવાનપરાથી લઈ ખાર દરવાજા સુધીનો રસ્તો બધું જ પલકવારમાં ધસી આવતું જોયાં કર્યું છે.
રંભાબહેનનો ખાંસવાનો અવાજ, મંગુબહેનનો બુલંદ સ્વર, રંજનબહેનનો પાંચ છોકરાઓ સાથેનો કલબલાટ, લાભુભાઈની કાયમી શરદી, શારદાબહેનના વરની આસમાની સુલતાની, ભુપતભાઈનો ફાટેલો કોટ, મ્યુનિસિપાલીટીના સફાઈકામવાળી બાઈ, તેની સાથે બેસુરા અવાજમાં ગીત ગાતો અને પાવડાથી કચરો ઢસરડો તેનો ઘરવાળો. કચરો ઢસડવાનો એ જ એકધારો લયબધ્ધ જેમાં ફરક પડ્યો નથી.
કાજીવાડમાંથી આવતા ઈસાભાઈ ઘોડાગાડી ઘર પાસે લાવી હેતથી પૂછે બાબાભાઈ તૈયાર થઈ ગયા ? અને ધીરેથી ઘોડાગાડીમાં બેસાડી ગાડી દક્ષિણામૂર્તિ ના રસ્તા ઉપર આગળ વધે. રસ્તામાં રુદ્રાક્ષની માળા પહેરેલા બાવાઓ જગદીશ મંદીર તરફ જતા હોય તો લીલી લુંગી અને ઝબ્બો પહેરેલા ફકીરો ગળામાં પીળા મણકાની લાંબી માળા, હાથમાં લોબાનનો ધૂપ કુરાનની આયાત પઢતા પઢતા સ્ટેશન પાસેની કોઈ મસ્જિદ તરફ ડગ માંડતા જાતા હોય. હાથમાં રહેલી મોરપીંછની લાકડીથી આસ્તેથી માથામાં મારે અને બોલે, ‘જા ખુદા તેરા ભલા કરેગા’. આ સાધુઓ, બાવાઓ, ફકીરોના સ્વરમાં માગણી નથી જોઈ પણ કશુંક આપો તેની નરી સુખદ વેદના અને આંખોમાં અપેક્ષા ડોકિયા કરતી હોય છે.
આવા અનેક ચહેરાઓને ગેલેરીમાં બેસીને છાનાછાના ચૂપચાપ મન ભરીને જોયા છે. શેરીમાં નાનકડા દેશી નળિયાવાળા બેઠાઘાટના મકાનમાં અરવિંદ અને જગો રહેતા. નાની મોટી નોકરી કરતાં. આવકના ઠેકાણા નહી, – બધાં કુંવારા. દમનો દર્દી જતીન. નરમ, માંદો, ઢીલો, કરમાયેલો આછો કરુણભાવ જગાવે છે. હું તેને જોઉં છે કે મળું છે ત્યારે ‘જતીન, કેમ છે ?’ કહી હાથ ઊંચો કરું છું. તે પણ આછું હસી તેનો અશક્ત હાથ ઊંચો કરે છે.
રસ્તા ઉપર કાળુ ધોબીની દુકાન છે. એની દુકાનમાં ઈસ્ત્રી કરેલા સફાઈબંધ કપડા કાચના કબાટમાં હોય છે અને ઘરે ઘરેથી આવેલા કપડાના પોટલાં, આડાઅવળા પડ્યા હોય છે. તેની દુકાનમાં રેડિયો ચાલું જ રહે છે. રેડિયોમાંથી આવતા ગીતોના શબ્દો કપડાની એક એક કરચલીની સળને બેસાડતી જાય અને ગરમ ગરમ ઇસ્ત્રી ફરતી જાય છે.
બપોરની નિસ્તબધતામાં સ્કૂલેથી દફતરની મારામારી કરતા દોડતા આવતા છોકરાઓનો અવાજ સંભળાય છે. તે પછી સંભળાય છે છેલ્લા વાસણ ઉટકવાનો કિચૂડાટ અને પછી આખી બપોર ક્યાંક વાગતા જયભારતી, વિવિધ ભારતીના ફિલ્મી ગીતો તો ફેરિયાના અવાજો.
વોરાવાડમાંથી બુરખો પહેરેલી સ્ત્રીઓની ભરત ભરેલી પહોળી ઈજારનો રેશમી ફફડાટ, કાછિયાનો ઊંચા સપ્તકે જઈ સ્વરના ઠહેરાવ પર સ્થિર થઈ ધીરે ધીરે ઢાળ ઉતરતો અવાજ, તેલધૂપેલ વેચવાવાળા, સાઈકલ ફેરિયાની બુમ સાથે કેરિયરમાં બાંધેલી પેટીમાં ખખડતી બંગડી, ચૂડીનો ઝણકાર. બુટચંપલ, છત્રી સંધાવવાવાળા, મદારીની ડૂગડૂગીનો, સરાણિયા, પીંજારાની ત્રાકનો અવાજ સંભળાય છે. એકાદ બે રખડું છોકરા તડકામાં રખડતા ગાળાગાળી કરતા પસાર થતા હોય છે.
સાંજે ઢળતી સંધ્યાએ શહેરની શેરીઓના છાપરાં, છજાં, નળિયાં, રવેશ ઝરૂખાના પડછાયાઓથી પથરાઈને જીવંત માણસોથી ઊભરાવા લાગે છે. બારણાં ખુલતાં, છોકરાઓ શેરીઓમાં આવી ગયા છે. લસણના વઘારમાં ચડતા શાક અને શેકાતી રોટલીની વાસની ભીડ થાય છે. સગડી ચૂલાના ધૂમાડાથી ધુંધળી સાંજે શેરી ઓર ધુંધળી થઈ જાય છે. ડેલીઓ બંધ થાય છે ખૂલે છે. સાંધ્ય આરતીમાં કોઈ ખોરડાના ખૂણામાં બહુચર, અંબા, ખોડિયાર ઊતરી આવે છે.
પવનની લહેરખી આવતા હવાનો હલ્લો આવ્યો હોય તેમ વાતાવરણમાં પ્રસન્નતા આવી જતી હોય છે. પવન જ તેને વાળી જાય છે. વરસોથી એકાંતનું તે રહેઠાણ છે. મારા મનનો ય એકખૂણો ત્યાં પડ્યો છે.
શહેરના મકાનો વેચાઈ રહ્યા છે. ખાલી જમીનો પર ઈંટો અને સીમેંટ પથરાઈ રહ્યા છે. બંગલાઓ તૂટી ખાલી જમીન ચણાઈ રહી છે. ત્યાં ફલેટો, ડિપાર્ટમેન્ટલ સ્ટોરો અને વાણિજ્ય્ક સંકુલો ઉભા થયાં છે. શહેર નવું ક્લેવર લઈ રહ્યું છે. પણ શહેર ત્યાંજ છે. નિશ્ચેતન. તો પણ શહ્રેરમાં આવવું ગમે છે, કારણ કે મિત્રો છે, સ્મૃતિઓ છે, જીવંતતાનું પહેલું પગરણ અહીં છે.