ભાવનગર : એક સમયે દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકતા.ઘણી વાર મિત્રો એવા વિષય શોધી લાવે કે તમે એના રસ ચકચૂર થઈ જાય જોવો શું થયું આ મિત્ર ની વસમા
ભાવનગર : એક સમયે દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકતા ઘણી વાર મિત્રો એવા વિષય શોધી લાવે કે તમે એના રસ ચકચૂર થઈ જાવ.ચાર પાંચ દિવસ પહેલા ભાવનગરથી ધીરેન પંડ્યા અને વિક્રમ મુ. ભટ્ટ તરફ્થી એક 90 વર્ષ જુની જાહેરખબર મોકલવામાં આવી જેમાં મુંબઈથી ભાવનગર જતી એક સ્ટીમ શીપમાં બુકીંગ કરાવવા ની વિગતો હતી. બોમ્બે સ્ટીમશીપ નેવીગેશન કંપનીની શીપ મુંબઈ દીવ ભાવનગર વચ્ચે ફેરા કરતી હતી અને તેના બુકિંગ એજંટ કિલીક નિકસન કંપની વાળા હતા.આ કિલીક કંપની તે ડિમ્પલ કાપડીયાના કુટુંબની.
ભાવનગરની સ્થાપના તેના દરિયાકાંઠાની સગવડતાને જોઈને કરવામાં આવી હતી, લગભગ 160 કિલોમીટરનો દરિયાકાંઠો ભાવનગર રાજ્યને અડતો હતો. ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, એ મહત્વના બંદરો હતા, મહુવાથી આગળ જાફરાબાદ, ઉના, દીવ ગાયકવાડીમાં આવતા હતા. આ કાંઠા પ્રદેશમાં રહેતા લોકોએ જ્યારે વહાણમાં મુસાફરી કરી નસીબ અજમાવવા મુંબઈમાં પ્રયાણ કર્યું ત્યારે દરિયાઈ મુસાફરીનો રોમાંચ શરૂ થયો.
ભાવનગરથી ખંભાતના અખાતનું છીછરું વહેણ છોડી તમે અરબી સમુદ્રમાં પ્રવેશ કરો એટ્લે દરિયાની અગાધતાનો અનુભવ થાય અને તમારી દરિયાઈ સફર શરૂ થાય. સાગરખેડુ (Sea-farers) નામની એક સાઈટ જોતા અચાનક મુંબઈ અને ભાવનગર શબ્દો આંખમાં અથડાયા. ભાવનગરથી મુંબઈનું અંતર 243 દરિયાઈ નોટીકલ માઈલ થાય અને પ્રતિ કલાક 10 નોટીકલ માઈલનું અંતર કાપો તો પણ એક દિવસમાં તમે મુંબઈ પંહોચી શકો.
ભાવનગર પાસે લગભગ 160 કિલોમીટરનો દરીયાકાંઠો છે અને ભાવનગરને કેન્દ્રમાં રાખીએ દક્ષિણ દિશામાં જઈયે તો ઘોઘા, કુડા, કોળીયાક, હાથબ, ખડસલીયા, મીઠી વીરડી, જસપરા, ગોપનાથ, ઝાંઝમેર, સરતાનપર, કળસર, ઉંચકોટડા, નિકોલ પાદરી, તરસારા, મહુવા અને કતપુર ગામો આવે જે 1૦૦ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. આ ગામોના વણિકો વહાણમાં બેસી મુંબઈ પંહોચેલા અને ભાવનગર ઉભું કરેલું. તળ મુંબઈમાં ઘોઘા સ્ટ્રીટ અને ખેતવાડીમાં ભાવનગરી સ્ટ્રીટ આવેલા છે જે એ સમયે ગયેલા ભાવનગર વાસીઓના વસવાટના લીધે આખી સ્ટ્રીટ કે મહોલ્લો બની ગયેલ.
એક જમાનામાં ભાવનગરનું જુનુ બંદર ધીકતું હતું. ભારતના દક્ષિણ ભાગ ત્રિવેંદ્રમ. કોચીન, મેંગલોરથી નાળીયેર, તેજાના, ઈમારતી લાકડું, સુકો મેવો, ચા અને નળીયા ભાવનગર આવતા અને ત્યાંથી આસપાસના વિસ્તારઓમાં જતા. લાકડાનું પણ મોટું કેંદ્ર હતું. ભાવનગરથી દીવ અને મુંબઈ સુધી પેસેંજર વહાણો જતા.
બોમ્બે સ્ટીમ નેવીગેશન કંપનીના મંડોવી, ભીમા, બ્રહમાણી, ગોદાવરી, મોઝફરી અને દીપાવતી નામના જહાજો સમગ્ર પશ્ચિમી દરીયાકાંઠે ફરતા અને દીપાવતી જહાજ મુંબઈથી દીવ અને ભાવનગર વચ્ચે ફરતું. ઘણાં વર્ષો સુધી આ સેવા ચાલુ રહી હતી. ભાવનગરની લાતી બજારના લાકડાના વેપારીઓ વહાણ માર્ગે મેંગલોર અને ત્રિવેંદ્રમ સુધી જતા અને લાકડાના સોદા કરી પરત આવતા.
બોમ્બે સ્ટીમ નેવીગેશન કંપનીના બધા વહાણોમાં ઘોઘાના નાવિકો રહેતા. ઇમ્પીરિયલ ગેઝેટ (1908) મુજબ ઘોઘા બંદર શ્રેષ્ઠ નાવિકો માટે જાણીતું હોવાનું દર્શાવાયું છે. દરિયામાં દિશા ખોળવાની તેમની વારસાગત કુનેહના લીધી જગતના કોઈપણ દેશના વહાણો કે શીપમાં ઘોઘાના નાવિકો અચૂક હતા. આ પેસેંજર શીપના કારણે 1860 થી 1920 વચ્ચે ભાવનગર અને અમરેલી જિલ્લાના જૈન અને કપોળ વણિક સમુદાય મુંબઈમાં સ્થાયી હતો,
દીવથી રૂપજી ધનજી અને નિમા પારેખ ગુજરાતી કપોળ ભાઈઓ સૌપ્રથમ વખત મુંબઈ આવ્યા હતા. અને ધોબી તળાવ નજીક વસ્યા હતા. ગુજરાતના દરિયાકિનારા પરના દીવ, ઘોઘા, અને સુરતમાંથી ગુજરાતીઓ મુંબઈમાં આવ્યા. 1803 માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને લોકોનો પ્રવાહ મુંબઈમાં આવ્યો. મુંબઈ માટેના દરિયાઈ માર્ગો સલામત બન્યા હતા. 1860 માં કાપડનો વેપાર ધીકતો બન્યો. જગત આખાને મુંબઈ રૂ પુરું પાડવા મંડ્યું. એ પછી અટકળોના આધારે સટ્ટાબજાર ઉભર્યું.
ભાવનગરના જુના બંદર પર આ પેસેંજર વહાણો આવતા. રાજ્ય દ્વારા ભરતી પહેલાના 2 દિવસે ઘંટ વગાડીને વહાણ ઉપાડવાની જાણ કરાતી હતી. પેસેન્જર શિપ મુંબઈ સુધી ફેરા કરતી હતી. લોકો 15 દિવસ કમાઈને પરત ફરતા હતા. આ પેસેંજર શીપમાં મુંબઈવાસીઓ માટે મરચા, મીઠું અને ખાંડ જતી. આ શીપ દરિયાકાંઠાને સ્પર્શીને એટલે કે કિનારાથી નજીક રહીને સફર કરતી.
ભાવનગરથી ઘોઘા, મહુવા, જાફરાબાદ દીવ અને ત્યાંથી મુંબઈની ખેપ કરતી. દરિયાઈ માર્ગે ભાવનગરની સાથે ખંભાત, ભરુચ, સુરત થી વણિકો મુંબઈમાં આવવા લાગેલા, જેને જે વ્યવસાય અનુકૂળ લાગ્યો તેમાં ઝંપલાવ્યું અને મુંબઈની વધતી જતી વસતિ આશરો આપવા લાગી
બોમ્બે સ્ટીમ નેવીગેશન કંપનીનો માલિક હાજી ઈસ્માઈલ યુસુફ ઘોઘાનો હતો અને શરુઆતના વર્ષોમાં જ તે મુંબઈ સ્થાયી થયેલો. મુંબઈમા દસ જમીનદારો જે મોખરાના ગણાતા તેમાં ઈસ્માઈલ યુસુફ પ્રથમ હતા. આજના નવા મુંબઈની જમીનો, પાલઘર, દહાણું રોડ, વિરાર વિસ્તારોની હજારો એકર જમીન તેની માલિકીની હતી. વહાણોના ધંધામાં તે ખુબ કમાયેલો અને તે કમાણી જમીનમાં રોકતો.
અને આજે પણ કોઈ ભાવનગરી બુઝુર્ગ 90-95 ની આસપાસ પંહોચેલો હોય અને તેના સ્મરણમાં હોય તો ભાવનગરથી મુંબઈની દરિયાઈ સફર વિષે વાત કરી શકે પણ ભાવનગરના મિત્રો ઘણી વાર નિ:શ્વાસ સાથે કહે છે કે ‘આ ભાવનગરના દરીયાનો હવે કોઈ અર્થ નથી ! ‘
રાજેશ ઘોઘારી: