ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આજે વાવાઝોડાને લઇને સ્થળ નિરીક્ષણ માટે અલંગ અને સરતાનપર બંદર ની લીધી મુલાકાત.
તાઉ – તે વાવાઝોડાને લઇને ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડ પર કાર્ય કરી રહ્યું છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવાં અને બચાવ અને રાહતની કામગીરીમાં ઝડપ આવે તે માટે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ સતત મોનીટરિંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લો પણ મોટો દરિયાકિનારો ધરાવતો હોવાથી ગઇકાલે જ દરિયાકિનારા નજીકના ૪૩ ગામોમાંથી સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંભવિત વાવાઝોડા પૂર્વે લોકોનું સ્થળાંતર, આશ્રય સ્થાનો, સ્થળાંતરિત લોકો માટે ભોજન, આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના મહુવા પાસેથી તાઉ-તે વાવાઝોડું આજે સાંજે પસાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. ત્યારે ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે તંત્ર રાત- દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી રહ્યું છે.