ભાવનગર : ધ્રબાંગ…ધ્રબાંગ…એ મોજીલું અને મસ્તીનું ભાવનગર અને જુનુ ભાવનગર
1970 પછીના વર્ષો. ભાવનગરમાં અખબારો સ્થાયી થઈ ચૂક્યા હતા અને સ્થાનિક અખબારો નગરની વેદના, સંવેદના, સુખ, આનંદ અને મસ્તીને વાચા આપતા હતા. એ વર્ષોમાં ભાવનગરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની લંગાર થતી. શાળા અને કોલેજોના હોલ આવા કાર્યક્રમોથી ભરચક રહેતા.
નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વાર્તા હરીફાઈ, શીઘ્ર કાવ્ય લેખન, સુલેખન હરીફાઈ, કંઠ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સુગમ ગીતો અને સંગીત,સમૂહ ગાન સ્પર્ધા, ભજન સ્પર્ધા, ફિલ્મી ગીત સ્પર્ધા, નૃત્યો, લોક નૃત્યો, રાસ ગરબા હરીફાઈ, ફેંસી ડ્રેસ સ્પર્ધા, પાત્રીય અભિનય, ઓહો…એવી જાતજાતની સ્પર્ધાઓથી ભાવનગરના સભાખંડો અને હોલ છલકતા રહેતા અને ભાવનગર દોડતું રહેતું. સાહિત્ય અને કલાનું નગર, એ પોતે જ કલા સાથે સંબંધ તરછોડી દે એ કેમ ચાલે ?
શહેરના આશાસ્પદ કલાકારોને તેમની કલા અભિવ્યકત કરવા સામાજીક સંસ્થાઓ લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, જાયંટ્સ ગ્રુપ અને વિવિધ મંડળો કે સંસ્થાઓ કે જ્ઞાતિ મંડળો તરફથી તરફથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું. સ્થાનિક અખબારોમાં નગર નોંધની કોલમમાં ત્રણ ચાર વખત તેની આગોતરી યાદી પાઠવવામાં આવતી. સ્પર્ધાઓમાં વિજેતા બનતા સ્પર્ધકો અને કલાકારોને કોઈને કોઈ સંસ્થા તરફથી રોકડ ઈનામ કે વસ્તુઓ ભેટ આપવામાં આવતી જેથી ભાગ લેનારાઓનો જુસ્સો ટકી રહે અને બીજી વખત આવે. રોકડ ઈનામો આપવામાં પ્રતાપભાઈ શાહ, રમેશ ઓઝા અને રાજાબાબુનો હિસ્સો રહેતો. આ ત્રણેય મહાનુભાવો કોઈને કોઈ કાર્યક્રમ, સ્પર્ધા કે હરીફાઈમાં અતિથિ વિશેષ કે પ્રમુખપદે હોય.
આવી સ્પર્ધાઓના કારણે ભાવનગરના સામાજીક જીવનમાં બદલાવ આવી ગયો હતો અને આખું ગામ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિકમય બની ગયું હતું. રાજયભરમાં સંસ્કારનગરી તરીકેની ઓળખ ભાવનગરની થઈ ગઈ હતી. શહેરની હવામાં તમને મંદમંદ સંગીતના સૂરો સંભળાતા હોય, લોકોની સામાન્ય વાતચીતમાં પણ સાંભળવા ગમે તેવા સાહિત્યક શબ્દો નો ઉલ્લેખ થતો હોય. લોકો તુચ્છકારની ભાષાનો તો ઉપયોગ જ ન કરતા. નગર જાણે કોઈ નવા પ્રકારની સંસ્કૃતિનો અનુભવ કરતું હોય તેવું ભાસે !
આવી હરીફાઈઓમાં ભાગ લેનારા કોઈના ઘરે ભેગા થતા હોય અને નેટ પ્રેકટીસ કરી તાલીમ બધ્ધ થઈ જતા. આ કલાકારો સાંજે ઘોઘા દરવાજે ભેગા થતાં અને વ્યુહરચનાની ગોઠવણી કરતા. ચા ના ડોઝ ઠઠાડી એક સ્વ્પ્ન સૃષ્ટીમાં વિહાર કરતા. ઘરના બધા કામ પડતા મૂકી આખો દિવસ સ્પર્ધા અને હરીફાઈની વાતો જ અગ્રસ્થાને રહેતી.
આવી સ્પર્ધાઓમાં વિજેત બનતા લોકોનું માન તેમના સમાજમાં કે જ્ઞાતિમાં વધી જતું અને લોકોની નજરમાં વસી જતા. તેમની ચાલ અને વાકછટા બદલાઈ જતી. મિત્ર કે સખી વર્તૂળ એકદમ વધી જતું. અખબારોમાં બહુ જવલ્લે છબિઓ આવતી પણ કલા વિષયક કોલમમાં નામ સાથે ઉલ્લેખ આવતો તેના કટીંગ લોકો સાચવી રાખતા. માતા-પિતા ઘરે આવેલા મહેમાનોને ગર્વથી તે કટીગ બતાવતા. શહેરને ઘણા તેજસ્વી અને તરવરીયા કલાકારો આવી સ્પર્ધા થકી મળેલા જે ભવિશ્યમાં નામાંકિત બનેલા
ઘોઘા સર્કલ મિત્ર મંડળ. કલા સંગમ, નેપ્ચ્યુન, એમેચ્યોર મ્યુઝીકલ સર્કલ, વેણુનાદ, ખુશ્બુ કલાવૃંદ, સંસ્કાર દીપ, ફ્રેન્ડઝ ગ્રુપ, અને સીદીવાડ યુવક મંડળ જેવી કલા સંસ્થાઓ શહેરના આ વાતાવરણને જીવંત રાખતી.
અને તે સમયના કલાકારોની યાદી જુઓ તો અધધધ થઈ જવાય. ભાવનગરની એકેય શેરી બાકી ન હોય તેટલા અગણિત કલાકારો આવતા. ભાવનગરને કલાના ક્ષેત્રમાં અગ્રેસર કરનારા તે સમયન કસબીઓની ખંત અને જાતને ઘસી નાખવાની લગની અપ્રતિમ હતી. શ્રી જયરાજસિંહ સરવૈયા, કિરિટ વ્યાસ, જીતુભાઈ ભટ્ટ, સુરેશ બુચ, ઘનશ્યામ ભટ્ટ, ચંદુભાઈ ભટ્ટ, મહેન્દ્ર પટેલ વિવિધ સંસ્થાના સંવાહકો અને કલાકાર તરીકે યોગદાન આપતા. .
ઉદય સિસોદીયા, અજીત નાગદેવ ઉપેન મહેતા હિમત લહેરી, આશા સરવૈયા, સોનલ શાહ, માધવી શાહ, અલકા પંડ્યા, દેવયાની ઓઝા, શચિ ઓઝા, રક્ષા ભટ્ટ, જાહનવી આચાર્ય, કાલિંદી ભટ્ટ રાસ અને ગરબાના કલાકારો.
સંગીત અને ગાયનમાં પ્રદીપ ભટ્ટ, ધર્માંશુ રાવલ, બટુક રાઠોડ, દિલીપ વાઘેલા, નૂરમહમ્મદ દેખૈયા, અંબરીષ વ્યાસ અને અભેસિંગ રાઠોડ. તો ગાયિકીમાં પ્રફુલ્લ દવે, વિપુલ આચાર્ય, રેખા ભટ્ટ હતા. અત્યંત સુરિલ કંઠ ધરાવતા આ ગાયક કલાકારોનું ગાયિકી કૌશલ્ય બેજોડ હતું. અશ્વિન અજવાળીયા, મહેન્દ્ર ધોળકિયા, અતુલ ભટ્ટ, જાગૃત દેસાઈ, પંકજ મોદી, હંસા જોષી, ચિત્રાંગી પરિખ, રેશમા શાહ નવીનભાઈ પારેખ, ભરત ભટ્ટ, કિશોર મહેતા, કુમાર પંડ્યા, શેખર પંડ્યા, પ્રશાંત ભટ્ટ, અતુલ ભટ્ટ,હિમાંશુ જાની, જેવા કલાકારો નૃત્ય અને રાસમાં.
કંદર્પ ઓઝા, રક્ષિતા ઓઝા, કુસુમ ભટ્ટ, ભાવના પાઠક, દક્ષા શુક્લ, હેમલતા આચાર્ય, મીરાં મહેતા, વિણા પંડ્યા, ઉષા-સુધા બનજારા, પદ્મ્જા વૈષ્ણવ, રંજન રાઠોડ, મહેશ ત્રિવેદી, જગદીશ પાઠક,. કુંજલતા મહેતા, પ્રજ્ઞા ઓઝા, યોગેશ્વરી દેસાઈ, મંદાકિની મહેતા, મીના વત્સરાજ, માધવી વૈધ્ય, વર્ણા મહેતા સોહિણી વિરાણી, શોભના ઓઝા, યામિની ઓઝા, પોયણી ઓઝા, ક્ષમા આચાર્ય, જવનિકા આચાર્ય, ભાવના વોરા, યેરા શાહ, અમુલ પરમાર, ચિંતન પંડ્યા, દોલત પરમાર, નૂર મહમદ દેખૈયા, મધુ પંડ્યા, અલ્પા, વગેરે નૃત્ય રાસ ગરબાના કલાકારો.
વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓમાં અક્ષય ઓઝા, મનોજ શુક્લની બોલબાલા હતી. એક પાત્રીય અભિનયમાં કલ્પના ચૌહાણ,હર્ષજીત ઠક્કર, અરૂણ પંડ્યા, પ્રદીપ વૈધ્ય હતા.
આ તો વર્ષો પહેલાના વિતેલા સમયના વાગોળણાં છે. શહેર છોડ્યાને પણ વર્ષો વીતી ગયા છે. સ્મૃતિ પટલ ઉપર જે ઉપસી આવ્યું એની ધુંધળી છાયા છે કે એ સમયે કેવું આ નગર હતું ? અને કેવી જાતજાતની પ્રવૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. એટલે આજે શું અને કેવું હશે ? તેની કલ્પના નથી પણ સારું જ હશે તેમ માનવું છે. !