ભાવનગર મા 108 ના ટીમ કર્મચારીઓ ની પ્રસંશનીય કામગીરી જાણી સલામ કરશો

ભાવનગર શહેર- જિલ્લામાં તાઉ ‘તે વાવાઝોડાની ગંભીર અસર થઈ છે. ભારે પવન અને વરસાદને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ હોવા છતાં ઘોર અંધારી રાતમાં ટોર્ચના સથવારે ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મયોગીઓએ ભારે અગવડતાઓ વચ્ચે એક જ રાતમાં ૧૭ સગર્ભા માતાઓને હોસ્પિટલ પહોંચાડવા સાથે વિપરીત પરિસ્થિતિમાં ૭ સગર્ભા માતાઓનું રેસ્ક્યું કર્યું હતું અને ત્રણ સગર્ભા માતાઓની સફળ પ્રસૂતિ કરાવી હતી.

૧૦૮ ઇમેજન્સી સેવાના પ્રોજેક્ટ મેનેજર શ્રી સચિન ગાધેએ જણાવ્યું કે, ગત રાતે ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. એવા સમયે ૧૦૮ સેવાના કર્મીઓએ ભારે સાહસ અને સ્થિતપ્રજ્ઞતાના દર્શન કરાવતાં રસ્તા વચ્ચે પડેલા ઝાંડી-ઝાંખરાને હટાવતાં- હટાવતાં માત્ર ટોર્ચના સહાયે હળવે- હળવે માર્ગ બનાવીને જે- તે પ્રસૂતાના દ્વાર સુધી પહોંચીને ૧૦૮ ને શા માટે જીવન રક્ષક તરીકે ઓળખવામાં આવે છે તે ફરી એકવાર સિધ્ધ કરી દીધું છે.

ભાવનગર જિલ્લામાં સગર્ભા માતાઓ માટે કટોકટીની પળોમાં ૧૦૮ની ઇમરજન્સી સેવા ખરા અર્થમાં જીવન રક્ષક બની છે. અનેક વિટંબણાઓ વચ્ચે પણ માર્ગ બનાવીને ૧૦૮ ની ટીમે સરાહનીય કામગીરી કરીને એક આદર્શ પ્રસ્તુત કર્યો છે.

૧૦૮ સેવાના કર્મીઓએ મહુવા તાલુકાના કતપર, ગારિયાધાર તાલુકાના ગુજરડા અને ઘોઘા તાલુકાના ભાખલ ગામની સગર્ભા માતાઓની સફળ પ્રસૂતિ કરાવી હતી. આમ, ૧૦૮ની સમયસરની સેવાને પરિણામે સંકટની ઘડીમાં અનેક જિંદગીઓને બચાવી શકાઇ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *