ભાવનગર મીઠા ઉદ્યોગ નો ઈતિહાસ અને અજાણી વાતો
ગુજરાતમાં 1930 માં પોરબંદરના દરિયાથી અઢી કિલોમીટર દૂર સોલ્ટ ફાર્મ બનાવી મીઠું બનાવાની શરૂઆત કરી જે આજે પણ ચાલુ છે. આ કામદાર કુટુમ્બે ત્યાર બાદ મીઠાનો ઔધોગિક ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી શકાય તેને ધ્યાનમાં લઈ 1943 માં ભાવનગરના બંદર પાસે મીઠું બનાવાનું યુનિટ શરૂ કર્યું અને ભાવનગરમાં મીઠા ઉધ્યોગના પગરણ થયા.
ભાવનગર યુનિટ સંતોષભાઈ કામદાર સંભાળતા હતા અને મીઠા ઉધ્યોગના તજજ્ઞ ગણાતા. મીઠા વિષેની તેમની જાણકારી બેમિસાલ હતી. આપણને તો ફક્ત ખાવાના મીઠાની જ ખબર પડે કે દરેક ભોજનમાં મીઠું પ્રમાણસર હોવું જોઈએ અને દાળ-શાકમાં મીઠું હોય તો જ તેને સ્વાદિષ્ટ કહી શકાય. પણ ખાદ્યસામગ્રી માટેના ઘર ઉપયોગી મીઠા સિવાય પણ કામદાર કુટુમ્બે ઈંડસ્ટ્રીઅલ સોલ્ટ, મરીન જીપ્સમ સોલ્ટ, સી બીટર્ન સોલ્ટ અને વોશરી ગ્રેડ સોલ્ટ બનાવી તેને જાતજાતના ઉધ્યોગોમાં એક મહત્વપૂર્ણ સહાયક ખનીજ બનાવી દીધું.
દેશની આઝાદી પછી ઔધોગિક વિકાસ પૂરજોશમાં શરૂ થયો ત્યારે ભાવનગરના દરિયા કિનારે બીજા અનેક નાના નાના મીઠાના ફાર્મ ઉભા થઈ ગયા જેને અગર કહેવામાં આવે છે. આ અગરોમાં મીઠાનું વિપુલ પ્રમાણમાં ઉતપાદન થતું કે બંદર ઉપરથી જાપાન, ચીન, ફિલીપાઈંસ, મલેશિયા અને આફ્રિકાના દેશોમાં મીઠુ લઈ જતી શીપ રવાના થતી.
કહેવાય છે કે ભાવનગરનું મીઠું સર્વશ્રેષ્ઠ છે કારણ કે તેમાં ઝીરો ટકા રિજેકશન આવે છે અર્થાત ગુણવતાની દ્રષ્ટીએ તેમાં કોઈ ખામી જ નથી હોતી પરિણામે ઔધોગિક અને રાસાયણિક વપરાશમાં ભાવનગરના મીઠાની બહુ માંગ રહેતી અને આજે પણ ભાવનગરનું મીઠુ ગુજરાત આલકલીઝ, ગ્રાસીમ ઈંડસ્ટ્રી, નિરમા, રિલાયંસ, ગુજરાત ફ્લોરો કેમિકલ્સ, સેંચુરી રેયોન, ડીસીએમ આલકલી જેવા ઔધોગિક સંસ્થાઓમાં જાય છે. દેશમાં 50% મીઠું ગુજરાતમાં બને છે અને તેમાં પણ ભાવનગરનો હિસ્સો સવિષેશ છે. દુનિયાભરમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત મહત્વનો ભાગ ભજવે છે.
ભાવનગરના નવા અને જુના બંદર પાસે તો મીઠાના અગરો કાર્યરત છે પણ હવે છેક માલેશ્રી, ઘેલો, કાળુભાર, કેરી સહિત ૪ નદીના કુદરતી વહેણ જૂના બંદરના દરિયામાં મળે છે. આ ચારેય નદીઓને અન્ય મળતા નેરાઓ અને નાની નાની નદીઓના પાણી જ્યાં દરિયાને મળે છે ત્યાંની જમીનમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
ભાલ વિસ્તારના જુદાજુદા ૧૦ ગામમાં જ્યાં દરીયાનું પાણી આવે છે ત્યાં મીઠાના અગરો ભાવનગર નારી રોડથી કાળાતળાવ માઢિયા સુધીના જે વિસ્તાર આવેલા છે તે વિસ્તારના ખુલ્લા પટમાં દરિયાનું પાણી હોય છે અને ભાલ વિસ્તારના ગામડા જેવા કે માઢિયા, સવાઈનગર, કાળાતળાવ, નર્મદ, ખેતાખાટલી, પાળિયાદ, દેવળિયા, રાજપરા, ભાણગઢ, સનેસ આ ગામડાઓમાં મીઠાના અગરો આવી ગયા છે. કાળાતળાવથી નારી રોડ સુધી જે ૧૩ કિમીનો પટ છે તેમાં મીઠાની ખેતી કરવામાં આવે છે.
આ મીઠું પકવવાના ઉધ્યોગમાં મોટી સંખ્યામાં લોકો રોજગાર મેળવે છે એટલે કે આખા ગુજરાતમાં પચાસ હજાર અગરિયાઓ મીઠાં ઉદ્યોગ પર નભે છે. નભે છે, આ શબ્દ ઈરાદાપૂર્વક લખ્યો છે કારણ કે આકરા તાપ અને ખારા પાણીમાં રહીને કામ કરતાં અગરિયાઓની જીંદગીની જફાઓથી આપણે વાકેફ છીએ. દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાત કરે છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ના અંદાજ મુજબ વર્ષ 2018-19 દરમિયાન ભારતમાં ઉત્પાદીત થયેલ કુલ 289 લાખ ટન મીઠાની સામે 81% મીઠું એકલા ગુજરાતમાં ઉત્પાદીત થયું હતું અને તેમાં આ ભાવનગરના અગરોનો ફાળો બહુમુલ્ય હતો.
દર વર્ષે 90 લાખ ટન જેટલું મીઠું ભારતીયો રસોઈથી લઈને અન્ય કામોમાં વાપરે છે અને તેથી મીઠાનો પૂરવઠો તેની માંગના પ્રમાણમાં હંમેશા ભાવનગર જાળવી રાખે છે. કારણ કે તેની સીધી અસર લોકોના રસોડા પર પડતી હોય છે.
વિશ્વભરમાં લોકોની જીભ અને સ્વાદમાં વધારો કરતું મીઠું લોકોને સહેલાઈથી મળી રહે છે પરન્તુ એ મીઠા બનાવવા પાછળ અનેક શ્રમિકોની કાળી મજૂરી પણ હોય છે જેમાં મહિલાઓ અને વૃદ્ધ પણ હોય છે. ધોમ ધખતા તાપમાં શિયાળો ઉનાળો કે ચોમાસાની ઋતુઓમાં 17 કલાકથી વધુ મહેનત અને કાળી મજૂરી કરતા અગરીયાઓની જીવનશ્રેણી અનેક હાડમારીઓથી ભરેલી હોય છે. ભલે તેઓ આપણા માટે મીઠાનું ઉત્પાદન કરે પણ તેમની જીંદગીમાં મીઠાશ નથી હોતી.
આજે ‘અગરિયા’ તરીકે કામ કરતાં લોકો જીવન જરૂરિયાતના એકપણ લાભ વગર ફક્ત આકાશની નીચે ધરતી ઉપર એક છાપરું કરીને જિંદગી વિતાવતા હોય છે જ્યાં તેમના માટે પીવાનું પાણી, લાઈટ રસ્તાઓ મોબાઈલ સ્કૂલો એસ ટી બસ ગામ બજાર કે જીંદગી માટેની એક ય સવલતોથી વંચિત હોય છે.
આ અગરિયાઓ આજે પણ ‘અભણ’ છે અને તેની આવતી પેઢીઓ પણ અભણ જ રહેશે। અને આ પણ એક વાયબ્રન્ટ ગુજરાતનું સનાતન કડવું સત્ય છે જેને વિકાસના નામથી સંબોધન કરવામાં આવે છે.
-રાજેશ ઘોઘારી