શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના રાજ્યાભિષેક સમયે થયેલા મહત્વ ના ઠરાવો, જાણી ને ગર્વ થશે

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર:રાજ્યાભિષેક ભાવનગર સંસ્થાનતા ૧૮/૦૪/૧૯૩૧. શનિવાર સંવત : ૧૯૮૭ વૈશાખ સુદ- ૧ એક વિરલ ઘટનાના આવો સૌ સાક્ષી બનીએ.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરની ગાદી વિધિવત બેઠાં અને પ્રવચન આપ્યું હતું.કે મુશ્કેલીઓ અને અનુભવ જ માણસને મનુષ્ય બનાવે છે. અને હાલના આગળ વધતાં જતા જમાનામાં એક દેશી રાજામાં જે ગુણો હોવા જોઈએ તેની ઉણપ હું આશા રાખું છું કે મારામાં સરકાર અને મારી પ્રજા નહિ જુએ. આ માટે અને મારા માટે અને રાજ્ય માટે કાળજી રાખનાર સરકારે એક એવો સજ્જનની પસંદગી કરી છે જેનું નામ છેલ્લા ૪૦ વરસથી આ રાજ્ય સાથે જોડાયેલ છે હું સર પ્રભાશંકર પટ્ટણી વિષે કહું છું.

“આજનો દિવસ મારી પ્રજા અને મિત્રો માટે આંનદનો છે. પણ મારા માટે તો નવી જંદગાનીમાં અને નવી જવાબદારીઓ દાખલ થવાનો દિવસ છે. આજે સત્તા હાથમાં લેવાની સાથે જવાબદારીઓ પણ હાથમાં લઉં છું. તે સાથે એમ પણ સમજુ છું કે રાજ્યનો સહીસલામત પાયો લોકોના સંતોષમાં નંખાઈ શકે અને એટલા માટે જે લોકો મારી સંભાળ નીચે છે તેની ઉન્નતીના સાધનો અને તેના સુખને વધારવું અને હું મારો ખાસ ધર્મ સમજીશ. એમની જરૂરિયાતો એ મારી ખાસ સંભાળની વસ્તુ થશે. તથા તેમનો સંતોષ અને સુખ એને હું મારી મહેનતનો બદલો સમજીશ”

૮૯ વરસ પહેલા એક લોકપ્રિય રાજવીએ ગાદી પર બેસતા કહ્યું હતું એ આજે પણ કેટલું પ્રસ્તુત છે. આજે પણ દરેક ચૂંટાતી સરકારના દરેક સભ્યોએ મહારાજશ્રી એ ઉપર જે વાત કહી છે તેનું આચરણ કરવા જેવું છે.રાજ સત્તા ફક્ત એશ આરામ કે વૈભવશાળી જીવનનું પ્રતિક નથી બલકે રાજ સતા લોકોની સેવા માટે છે અને આમેય ભાવનગર ના તમામ રાજવીઓ બીજા રાજવીઓ કરતા અલગ જ તરી આવતા હતા.

તારીખ અઢારમી એપ્રિલ ને ઓગણીસસો એકત્રીસના રોજ મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગાદી પર બેઠા કે તરત જ એ દિવસે રાજ્યના હિતમાં કેટલાક ઠરાવો થયા હતા. એ વખતે ઠરાવ એટલે લોઢામાં લીટો!! ઠરાવ પ્રમાણે જ કામ થતું.સહેજ પણ બાંધછોડ નહિ.આજના કરવા ખાતર કરવામાં આવતા ઠરાવો ની આ વાત નથી!! મહારાજ સાહેબના પ્રજા જોગ પ્રવચન પછી સર પ્રભાશંકરે રાજ્યનું સીલ નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ને સોંપતા કહ્યું હતું.

નિલમબાગ:-“આજે આ સીલ પેશ કરતાં જે બધું સંભાળવાની મારા પર હતી . તે બધું આપ નામદાર ને હું સુપરત કરું છું સુવ્યવસ્થિત રીતે ચાલેલું રાજ્ય સોંપુ છું . ભક્ત અને સુખી પ્રજા સોંપુ છું . આને આપ નામદાર સાહેબ સાથેના આપના મિત્ર રાજ્યોના સ્નેહ ભરેલા સંબધને માત્ર અવિરત નહિ પણ હું આશા રાખું છું કે વધારે ઘટ્ટ થયેલો મિત્રાઈ ભરેલો સંબંધ સોંપુ છું. અને આપને અંત કરણ પૂર્વક આશીર્વાદ આપું છું

તથા ફતેહમંદ રાજ્યનીતી માટે અનેક શુભેચ્છાઓ દર્શાવું છું.”આટલું કહીને સર પ્રભાશંકર પટ્ટણીએ મહારાજા સાહેબને રાજ્યનું સીલ અર્પણ કર્યું. બાર તોપની સલામી આપવામાં આવી. ભાવનગરનું રાજ ગીત ગવાયું હતું.અને પછી આ ખુશીની ઘડીએ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી એ પ્રજા અને ભાવનગર રાજ્ય માટે કેટલીક નવાજીશો કરી હતી એના કેટલાક ઠરાવ નીચે મુજબ છે.

જાવક નંબર એક ઠરાવ:- દરબારી ખાતેદાર ખેડૂતોને રાહત મળે તે ઉદ્દેશથી એવું ઠરાવવામાં આવે છે કે જે ખેડૂતો જાતે કે સાથી રાખી દરબારી ખાતેદાર તરીકે ખેડ કરતા હોય તેઓ પોતાની જમીન અને એ તે પાછળના ખોરડાનો કબજા હક બીજા ખેડૂતોને ગીરો , વેચાણ , કે બીજી રીતે આપી શકશે. ખરેખરા ખેડૂત વર્ગ સિવાયને આપી શકશે નહિ ( ભાવનગર રાજ્યના તમામ ખેડૂતોને આઝાદી પહેલા જ ખેતીના હકો મહારાજ સાહેબે આપી દીધા હતા , બાકીના રાજ્યોમાં વાવે તેની જમીન આઝાદી પછી મળી. આવી દૂરંદેશી અને ખેડૂતલક્ષી નીતિ હતી મહારાજ સાહેબની)

ખેડુત વસુલાત ધારાના પ્રકરણ પાંચની કલમ ૧૪ અને પંદર મુજબ દરબારી ખાતાની જમીનમાં હાલ ખાતેદારોના સીધી લીટીના પુરુષ વંશના વારસોને તથા અમુક સંજોગોમાં તેની દીકરીઓને વારસા હક ગણવા ઠરાવવામાં આવે છે. (વારસામાં દીકરીઓને પણ ભાગ આપવાની પ્રથા સહુ પ્રથમ મહારાજા સાહેબે શરુ કરી હતી. ભારતમાં હજુ બંધારણ પણ ઘડાયું નહોતું તે પહેલાની આ વાત છે.)

દીકરીઓ માટે નો વારસાઇ હક્ક :- આ રાજ્યમાં શહેર ભાવનગર તથા મહાલોના કસબા સિવાયના બીજા ગામોમાં રવાનગી તથા આમદાની માપું લેવાય છે. તે હવે થી આજથી માફ કરવામાં આવે છે . ફક્ત હિન્દુસ્તાની સરકાર સાથેના કોલ કરાર મુજબ જે જકાત લેવાય છે તે જ ચાલુ રહેશે.

નિલમબાગ :-આ સંસ્થાનના કારીગર તથા મજૂર વર્ગ પાસેથી ઉભડ તથા કસ્બા વેરો લેવાય છે તથા કુંભાર ચાકડો સાવજ વેરો તથા સુતર ચામડા બાબતના વેરાઓ આજથી બંધ કરવામાં આવે છે. (સહુથી ઓછા વેરાઓ ભાવનગર રાજ્યમાં હતા. વેરા ઓછા એમ પ્રજા સુખી એમ ભાવનગરના મહારાજા સાહેબ માનતા હતા.

રાજ્ય કુટુંબમાં શુભ પ્રસંગોએ દરબારી નોકર પાસેથી , દરબારી ગામોમાં છૂટી છવાઈ બારખલી જમીન ધારણ કરનાર પાસેથી , મહાજન પાસેથી પટેલ મુખી પાસેથી તથા ખેડૂતો પાસેથી નજરાણાની રકમ હક્ક તરીકે લેવામાં આવતી હતી તે આ શુભ પ્રસંગથી માફ કરવામાં આવે છે.

નિલમબાગ :-ભાયાત તથા મૂળ ગરાસીયાઓને તેમની જરૂરીયાતને પ્રસંગે કે દેવાનો ફડચો કરવા દરબારશ્રી થી લોન ધીરવામાં આવે છે તેનું વ્યાજ હાલ સાત ટકા છે તે આજથી છ ટકા કરવામાં આવે છે. ભાયાતોના ગામમાં જ્યાં જ્યાં હાલ શાળાઓ છે તેનું ખર્ચ હાલ તેમની પાસેથી લેવામાં આવે છે તે હવે અડધું માફ કરવામાં આવે છે.

ખેડૂતો :- આ સંસ્થાનના દરબારી ખેડૂતો પાસે જે લેણું હતું એ આજથી માફ કરવામાં આવેલ છે. અને બીજા ખેડૂતો કરજ મુક્ત થાય તેવો પ્રબન્ધ કરવામાં આવે છે. ખેડૂતોને જે કોઈ લેણિયાતને રકમ આપવાની હોય તે રકમ રાજ્ય ચાર ટકાના દરે આપશે. જે ગામડામાં ગ્રામ પંચાયત છે ત્યાં લોનનું વ્યાજ માફ કરવામાં આવેલ છે. (ખેડૂતો માટે મહારાજ સાહેબ કેટલા ચિંતિત હતા તે જણાઈ આવે છે. મહારાજ સાહેબ પ્રથમ ખેડૂતલક્ષી મહારાજા હતા એ સાફ દેખાઈ આવે છે

•વિદ્યાર્થીઓ :- આ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવાનું ઠરાવવામાં આવે છે. ( આઝાદી પહેલા પણ પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગર રાજ્યમાં મફત હતું. યાદ રહે આ બંધારણ ઘડાયું એના પહેલાની વાત છે.) આ રાજ્યમાં એક હુન્નર ઉદ્યોગ શાળા (ટેકનિકલ સ્કુલ) શરુ કરવામાં આવશે.

આ રાજ્યમાં પુસ્તકોના પ્રચાર માટે એક લાખ રૂપિયા બક્ષિશ આપવામાં આવે છે. તે રકમ સદ્ધર લોનમાં રોકીને તેનું વ્યાજ કેળવણી ખાતા મારફત વપરાશે. (૧૯૩૧ માં એક લાખ રૂપિયા પુસ્તકાલયોના પ્રચાર માટે આપવા એ ખુબજ મોટી વાત છે. જયારે એક રૂપિયો ગાડા ના પૈડા જેવડો ગણાતો અને સોંઘવારીના એ દિવસોમાં પુસ્તકો માટે આવડી મોટી રકમ તો ભાવનગરના મહારાજા જ ફાળવી શકે એમાં બેમત નથી) ભારતમાં અભ્યાસ કરવા માટે દર વરસે સાત હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

ભારત બહાર અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થી માટે એક લાખની બક્ષિશ આપવામાં આવે છે.આ રકમ સદ્ધર લોનમાં રોકીને તેના વ્યાજમાંથી આ મદદ કરવામાં આવશે . (રજવાડા વખતમાં દેશ દેશાવર ભણવા જવા માટે પણ મહારાજા સાહેબ સ્કોલરશીપ આપતા હતા . વિદ્યાર્થીઓ માટે તેમનો કેટલો પ્રેમ છે એ આ બાબત પરથી જાણી શકાય છે

વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા ગ્રંથકારોને ઉતેજન મળી રહે તે માટે પચાસ હજાર ની રકમ બક્ષિશ આપવામાં આવે છે. ભાવનગર ગરાસીયા સમાજની સંસ્થાને દર વરસે એક હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે. બોટાદ તથા કુંડલા કસ્બામાં મિડલ સ્કુલ છે ત્યાં હાઈસ્કુલ બાંધવામાં આવશે. દક્ષિણામૂર્તિ ભવનમાં હાઈ સ્કુલ બાંધવાના ખર્ચ પેટે ૧૫૦૦૦ આપવામાં આવશે.

અભ્યાસલક્ષી કામગીરી: શાળાઓ સ્કાઉટની સંસ્થાઓ માટે ૫૦૦૦ હજાર સાધનો ખરીદવા અને વાર્ષિક ૨૦૦૦ હજાર આપવામાં આવશે (રમત ગમત પ્રત્યે મહારાજા સાહેબનો અનન્ય લગાવ જોઈ શકાય છે.) સનાતન હાઈસ્કુલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવા ૫૦૦૦ રૂપિયા અપાશે.

સંસ્કૃત પાઠશાળાઓ , મુસલમાન માટે મસા તથા બીજી જે લોકથી ચાલતી શાળાઓ હોય તેમને ૫૦૦૦ રૂપિયા આપવામાં આવશે. (સર્વ ધર્મ સમભાવ માટે આનાથી વિશેષ કયું ઉદાહરણ હોઈ શકે? બધા જ ધર્મના લોકોને શિક્ષણ મળી રહે તે માટે મહારાજા સતત પ્રયત્નશીલ હતા).

ગામડાઓમાં બાળ ઉછેર સારી રીતે થાય , અંધ શ્રદ્ધા અને વહેમો દૂર થાય તેવી સામાજિક પ્રવૃતિઓ કરવા વાળા માટે એક લાખ રૂપિયાની બક્ષિશ આપવામાં આવે છે.(એક લાખ બાળ ઉછેર માટે અને એ પણ ૧૯૩૧ની સાલમાં..આવું તો ભાવેણા ના મહારાજા જ વિચારી શકે ). કસબના દવાખાના છે તે ઉપરાંત ફેરણી ડોકટર પ્રવાસી ડોકટર રાખવામાં આવશે અને તે માટે એક લાખ રૂપિયા બક્ષિશ આપવામાં આવશે.

ગૌશાળા માટે ૧૫૦૦૦ અને પાંજરાપોળ માટે ૫૦૦૦ આપવામાં આવશે . કવિઓ તથા ચારણો માટે ૨૫૦૦૦ ઇનામો આપવા માટે આપવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકોના કુટુંબીજનો ને મદદ કરવા માટે ભંડોળમાં ૩૦૦૦ આપવામાં આવશે(આઝાદી પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોના કુટુંબીજનો અનાશિક્ષકો પ્રત્યેનો આદરભાવ અહી સ્પષ્ટ જોઈ શકાય છે)

નિલમબાગ:-બોમ્બ ચિલ્ડ્રન સોસાયટીને ૫૦૦ રૂપિયા બક્ષિશ આપવામાં આવે છે. ભાવનગર રાજમાં જેનો પગાર પચીસ રૂપિયાથી ઓછો પગાર છે તેવા તમામ કર્મચારીઓને આ શુભ પ્રસંગે ઇનામ તરીકે એક માસનો વધારાનો પગાર આપવામાં આવશે.સંવત ૧૯૮૭ વૈશાખ સુદ ૧ શનિવાર તા ૧૮.૪.૩૧ (સહી) કૃષ્ણકુમારસિંહજી મહારાજા ભાવનગર સંસ્થાન ભાવનગર ઉપરના તમામ ઠરાવો જોતા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક શિક્ષણ પ્રેમી સાહિત્ય પ્રેમી ,આરોગ્ય પ્રેમી અને ખેડૂતો માટે હિત ધરાવનાર એક કર્મઠ અને મહાન રાજવી હતા.

ભાવનગર રાજ્ય માં સહુથી ઓછો કર અને સહુથી વધુ સુખ સગવડ હતી અને આને કારણે જ ભાવનગર એક સંસ્કાર નગરી કહેવાય છે આવા મુઠ્ઠી ઊંચેરા અને ખરા અર્થમાં પ્રજાને રાજી રાખીને રાજ કરનાર કણકમારસિંહજી ને શત શત વંદન.સંકલન :- અજીતસિંહ ( ભાવ વંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *