સ્વામીનારાયણ ભગવાનના દર્શન માત્રથી ડાકુમાંથી સંત બનનાર “કોળી જોબન પગી’’
ભગવાન સ્વામીનારાયણ તા.૩/૪/૧૭૮૧ ના દિવસે ઉત્તરપ્રદેશના છપૈયા ગામમાં અવતરીત થયા હતા. તા. ૩/૧/૧૮૧૦ના રોજ ભગવાન સ્વામીનારાયણ તેમની ‘માણકી’ ઘોડી લઈને ગુજરાતના વડતાલ પંથકના ડભાણ ગામમાં ૧૮ દિવસનો યજ્ઞ કરવા પધાર્યા હતા. આ સમયે વડતાલ પંથકમાં ‘કોળી જોબનપગી’ની હાક વાગતી હતી. દારુ અને માંસથી જેનો પિંડ (હિ) ઘડાયો હતો, તેવો કોળી જોબનપગી કેરડાના જાળા અને થોરિયાની માથાપુર વાડોમાંથી ‘હાંહલા’ (સસલા) નો શિકાર કરતો હતો.
અને એટલી જ બેરહેમીથી માણસોને પણ લૂંટતો હતો. બાવળીયાના વાંકા લાકડાના આગળના ભાગમાં ખીલા મારીને બનાવેલા ધોકા’ (ગાતોળ) નામના હથિયારના એક જ ઘાથી સસલાં, હરણાં કે તેતર જેવા પક્ષીને ભોં ભેગા કરતો પથ્થરદિલનો કોળી જોબન પગી માણસોને પણ નિર્દયતાથી બંદૂકના ભડાકે મારતો હતો.
ડભાણ આવેલા ભગવાન સ્વામીનારાયણની ‘માણકી ઘોડી જોબન પગીની નજરમાં આવી. માણકી ઘોડીની ચોરી કરવા જોબન પગી રાતના અંધારામાં ડભાણ આવ્યો. ચોરીછૂપીથી ઘોડારમાં ગયો અને માણકીને ખીલેથી છોડવા લાગ્યો. પણ માણકી છૂટી નહીં. અચરજ પામેલા જોબન પગીએ માણકી ઉપર નજર કરી, તો માણકીમાં ભગવાન સ્વામીનારાયણ દેખાવા લાગ્યા. આંખો બંધ કરી તો પણ બંધ આંખોમાં ભગવાન સ્વામીનારાયણની મૂરત જ દેખાવા લાગી.
જોબન પગીને કંઈ ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે. માણકીનો અછોડો છૂટતો નથી, ભગવાન સ્વામીનારાયણ સિવાય બીજું કશું દેખાતું નથી. આખી રાતના અજંપા બાદ જોબન ભગવાન સ્વામીનારાયણના શરણે ગયો. શરીરમાં કોઈ નવી ચેતનાનો સંચાર થયો. પગીની જગ્યાએ ‘ભગત’નું સ્થાન સ્થાપિત થયું.
વડતાલમાં આવેલા જોગનપગીના માટીના ઘરમાં ભગવાન સ્વામીનારાયણ એક મહિનો રહ્યા હતા અને જોગનપગીને સંપૂર્ણ રીતે સત્સંગી જોબનભગત બનાવી દીધા. ગળામાં કંઠી, કપાળમાં તિલક અને હાથમાં માળાવાળા જોબન ભગતના નવા અવતારને જોઈને લોકો નવાઈ પામતા હતા. વડતાલમાં જોબન ભગત ભગવાન સ્વામીનારાયણની સેવા કરતા હતા.
‘સમૈયા’ નામે ઓળખાતા ભક્તિમહોત્સવનું તમામ આયોજન જોબન ભગત કરતા હતા. જોબન ભગતે પોતાનું ઘર અને જમીન ભગવાનને અર્પણ કરી દીધા હતા. જોબન પગી વિષે તે સમયના પેટલાદના ગવર્નર કાશીભાઈએ કહ્યું હતું કે જે કામ કાયદો, પોલીસ કે સત્તાધીશો ના કરી શક્યા, તે કામ ભગવાન સ્વામીનારાયણના આધ્યાત્મિક ચમત્કારે કરી બતાવ્યું. ભગવાન સ્વામીનારાયણના આધ્યાત્મિક ચમત્કારની લીલા તા.૧/૬/૧૮૩૦ માં ગઢડા મુકામે સમાપ્ત થતા જોબન ભગત પણ પોતાની જન્મભૂમિ વડતાલમાં અક્ષરનિવાસી થયા હતા.