આજે આખો દિવસ ભાવનગર સાથે સંકળાયેલા અને સુરતમાં સ્થાયી થયેલ એક નજદીકી સગા નીતિન ઓઝા સાથે વ્યતિત થયો. જોવો પછી શું થયું?

ભાવનગર પર એક નજર:આજે આખો દિવસ ભાવનગર સાથે સંકળાયેલા અને સુરતમાં સ્થાયી થયેલ એક નજદીકી સગા નીતિન ઓઝા સાથે વ્યતિત થયો. વિવિધ વિષયોમાં ચોક્કસ ભાવનગર આવી ગયું.તેમના મત મુજબ સાહિત્ય સંસ્કાર, સંગીત, સુંવાળાપણું અને સંસ્કારી સમાજ વ્યવસ્થા એટલે ભાવનગર. દેશમાં સ્વતંત્રતા પૂર્વે પ૬૨ જેટલા દેશી રાજ્યો જે રજવાડા તરીકે ઓળખાતા હતાં જેમાં કાઠિયાવાડના પૂર્વ ખૂણામાં આવેલા ભાવનગર રાજ્યનું સ્થાન શિરમોર કક્ષાએ હતું.

ગોહિ‌લ વંશનાં પ્રજાવત્સલ રાજવીઓ અને મુત્સદ્દી દીવાનોએ કરેલા પ્રદાનને લીધે ભાવનગર રાજ્ય ઓગણીસમી અને વીસમી સદીના પ્રથમ પાંચ દશકા સુધી હિ‌ન્દ કક્ષાએ એક નમૂનેદાર રાજ્ય હતું.ઘણી બાબતોમાં ભાવનગર અન્ય રાજ્યો કરતા અગ્રેસર હતું અને પ્રગતિમાં ભાવનગર રાજ્ય દ્વારા જે દીર્ઘદ્રષ્ટી દાખવી હતી તે અનન્ય હતી.જરા નીચે જણાવેલ સિધ્ધિઓ પર નજર કરશો તો ભાવનગરનું કેંટલું ઉંચેરું સ્થાન હતું !

સૌરાષ્ટ્ર અને ગુજરાત માં મોટા જળાશયોની સ્થાપનાનો સૌ પ્રથમ પ્રારંભ ઈ.સ.૧૮૭૨માં ભાવનગર રાજ્યે’ગૌરીશંકર સરોવર’દ્વારા કર્યો.હતો. સૌરાષ્ટ્રના ૨૨૨ દેશી રજવાડાઓમાંના એક એવાં ભાવનગરનાં મહારાજા જસવંતસિંહજીને સૌ પ્રથમ કે.સી.એમ.આઈ (KCSI-Kinght Commander of the Most Exalted Star of India)નો ખિતાબ અને ચાંદ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાઠિયાવાડ પ્રાંતમાં સૌ પ્રથમ રેલવેનો ભાવનગર રાજ્યે, ૧૮ ડિસેમ્બર ૧૮૮૦નાં રોજ પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ બેંક ૧ એપ્રિલ ૧૯૦૨માં ભાવસિંહજી બીજાએ ‘ભાવસિંહજી સેવિંગ્ઝ બેન્ક’ નામથી શરૂ કરી.સૌરાષ્ટ્ર રાજ્યની રચના પછી આ બેન્કનું ‘સ્ટેટ બેન્ક ઑવ સૌરાષ્ટ્ર’માં રૂપાંતર થયું હતું.

સૌરાષ્ટ્રના સમસ્ત દેશી રાજ્યોમાં સર્વ વાર ઈ.સ.૧૯૧૮માં ભાવનગર રાજ્યે ‘પ્રજા પ્રતિનિધિ સભા’ નામની પ્રજાના પ્રતિનિધીઓની બનેલી એક સંસ્થા સ્થાપી હતી જે રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરી તેને હલ કરતા હતા ભાવનગરનાં મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજીએ ૧પ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથેનું રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણોમાં ધરી દઈને સરદાર વલ્લભભાઈ પટેલના દેશી રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞમાં પ્રથમ યોગદાન આપી શ્રેષ્ઠ ઉદારતાનો પરિચય આપ્યો હતો.

સૌરાષ્ટ્રમાંથી દારૂના દુશણને દૂર કરવાનું સૌપ્રથમ માન રાજા ભાવસિંહજી બીજાના ફાળે જાય છે.પ્રજાની સુખાકારી માટે તેમણે ઈ.સ.૧૯૧૯માં દારૂબંધી અમલમાં મુકી હતી.૬ એપ્રિલ,૧૮૭૨માં સૌપ્રથમ નગરપાલિકાની રચના કરવામાં આવી જેને મ્યુનિસિપાલિટી તરીકે ઓળખવામાં આવે છે.ઈ.સ.૧૯૨૨માં દેશી રાજ્યોમાં સૌ પ્રથમ વિશાળ જેલનું બાંધકામ ભાવનગર રાજ્યે કર્યું હતુ.ઈ.સ.૧૯૩પ-૩૬ દરમિયાન ભારતીય દ્વિ-કલ્પમાં સૌથી મોટું સ્વયમ્ સંચાલિત ટેલિફોન એક્ષચેન્જ ભાવનગરમાં ઉભું કરવામાં આવ્યું હતું.

છપ્પનીયો દુષ્કાળ અને બંગભંગ ચળવળથી ખેડૂતો પર થયેલી વિપરીત અસરોથી દેવામાં ડુબેલા ખેડૂતોના દેવાં માફ કરવાનું પ્રથમ પગલું ભારતભરમાં ભાવનગર રાજ્ય દ્વારા ભરવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૩૬માં ભાવનગર રાજ્યે ભાવનગર શહેરમાં સૌ પ્રથમ ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી. ઈ.સ.૧૯૪૨માં વર્ષમાં ભાવનગરના રાજવીએ દરિયાઈ પટ્ટી પર મીઠા ઉદ્યોગના વિકાસ માટે કામદાર કુટુંબને જમીનની ભેટ આપી ઉદ્યોગ શરૂ કરાવ્યો.

આઝાદી પૂર્વેના સમગ્ર હિંદમાં ખેડૂતોને કરજ મુક્ત કરનાર ભાવનગર રાજ્ય પ્રથમ હતું આ ખેડૂત કરજ નિવારણ યોજના’ના જનક સર પ્રભાશંકર પટ્ટણી હતા. સમગ્ર ભારતમાં ભાવનગર અને ભોપાલ એવા બે શહેરોમાં જ નગર વન એટલે કે અર્બન જંગલ કહી શકાય તેવા પાર્ક આવેલા છે જે વિકટોરિયા પાર્કથી જાણીતો છે.

ભાવનગર રાજ્ય અસ્રિત્વમાં આવ્યું ત્યાર બાદ નગર રચનાના ખ્યાલને ધ્યાનમાં લઈ અનેક નમૂનેદાર સ્થાપત્યો પ્રજાને ભેટ આપ્યાં છે. જેમાં દરબારી કોઠાર, ગંગાદેરી તખ્તેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશનની જૂની કમાનો અને સ્તંભો મહેંદી ચોકમાં આવેલો ફુવારો જૂના દરબારગઢનો ટાવર આંબાચોકનો ફુવારો, જુમ્મા મસ્જિદના ડેલા પરના કાષ્ઠ શિલ્પો ભાવનાથ મહાદેવની નવગ્રહની પ્રાચીન મૂર્તિઓ સર તખ્તસિંહજી હોસ્પિટલનું જુનું બિલ્ડીંગ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ડિસ્ટ્રીકટ કોર્ટનું બિલ્ડીંગ ગૌમુખી ફુવારો, માજીરાજ કન્યાશાળાના મકાનની દિવાલ પર જુદાં-જુદાં પ્રાંતની સ્ત્રીઓના ચિત્રો, બાર્ટન લાઈબ્રેરી મોતીબાગ પીલગાર્ડન સેન્ટ્રલ જેલ શામળદાસ કોલેજ લાલદવાખાનુ એટલે સર જશવંતસિંહજી ડિસ્પેંસરી વગેરે બાંધકામો પુરાતત્વની દ્રષ્ટિએ તેમજ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.

ગંગાજળીયા તળાવમાં ૧૯૪પમાં સ્ટેટ ઓલિમ્પિકસ યોજાયેલી. આજની પેઢીમાંથી બહુ ઓછા લોકોને જાણકારી હશે કે રાજા કૃષ્ણકુમારસિંહજીએ ઇ.સ.૧૯૪પમાં સ્ટેટ ઓલિમ્પિક શરૂ કરેલી. ઇ.સ. ૧૯૪૪-૪પમાં દહેરાદૂન ખાતે યોજાયેલી ઓલિમ્પિક રમતો જોવા અને તે પ્રમાણે ભાવનગરમાં આયોજન કરવા કેળવણી ઓફિસર સંતોકરામ ભટ્ટ અને કેડેટ ઓફીસર વજુભાને દહેરાદૂન મોકલ્યા હતા. બાદમાં ભાવનગરમાં યુવરાજના જન્મદિન નિમિતે એટલે કે તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરી,૧૯૪પમાં ગંગાજળીયા તળાવમાં યુવરાજ વીરભદ્રસિંહજી ઓલિમ્પિક ગેઇમના નામે સ્પર્ધા યોજાયેલી જેમાં ૧૪પ હરિફોએ ભાગ લીધો હતો.

ભવિષ્યમાં ઉભી થનાર ક્લાઈમેટ ચેંજની મુશ્કેલીને સમજીને દોઢસો વર્ષ પહેલા ભાવનગરમાં સાડા પાંચ લાખ વૃક્ષોનું આરોપણ કરાયેલું. જ્યારે કોઈ દેશી રાજયને સઘન વૃક્ષારોપણ અંગે વિચાર ન હતો આવ્યો ત્યારે ઈ.સ.૧૮૭૨માં ભાવનગર રાજ્યે દર વર્ષે કાયમી ઉપજ આપે તેવા ફળદ્રુપ ઝાડોનું પડતર જમીનમાં વાવેતર કરવાની યોજના ઘડેલી અને તે માટે મહુવા તથા આસપાસની જમીનમાં દોઢ લાખ વૃક્ષો વાવેલા જેમાં નાળીયેરી, આંબા વિ. મુખ્ય હતા. ભાવનગર, સિહોર, પાલીતાણા, સોંગઢ, તળાજા, ઘોઘા સેંદરડા, સનેસ, કોળિયાકની તળની પડતર જમીનમાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાડા પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આજે મહુવા નાળીયેરીથી વિખ્યાત છે તે નાળિયેરીની છોડ કોંકણ પટ્ટી અને ગોવાથી લાવવામાં આવ્યા હતા. આ વનીકરણ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને જે પડતર જમીનની નિપજ શૂન્ય હતી તેમાંથી રાજ્યની આવકમાં વધારો થયો હતો.

ભાવનગર રાજકીય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર હતું સ્વતંત્ર્તા મળ્યા બાદ સૌરાષ્ટ્ર પ્રાંતની રચના કરવામાં આવી હતી.આ રાજ્યના વડા તરીકે યુ.એન.ઢેબર હતા અને છ મંત્રીઓમાં ત્રણ મંત્રી ભાવનગરના હતા જેમાં બળવંતરાય મહેતા (નાયબ મુખ્યપ્રધાન) જગજીવનદાસ પરીખ (નાણાંપ્રધાન) અને નાનાભાઈ ભટ્ટ (શિક્ષણ પ્રધાન)નો સમાવેશ થયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રાજ્ય વિધાનસભાના સ્પીકર તરીકે ભાવનગર રાજ્યના જ જાદવજીભાઈ મોદી હતા તો દંડક તરીકે ડો.અજીતરાય ઓઝા હતા. આમ સૌરાષ્ટ્રના નવા રચાયેલા રાજ્યમાં વિવિધ ઉચ્ચ હોદ્દાઓ ઉપર ભાવનગરનું પ્રભુત્વ હતું

ભાવનગર એક સ્થિર થઈ ગયેલું નગર છે પણ તેની જાહોજલાલી અને જુની યાદો લોકોના મનમાં અક્બંધ છે અને તેથીજ જીતુ ઉપાધ્યાય, અશોક પંડ્યા, વિક્રમ મો. ભટ્ટ, રાજુ પરીખ, પીયુષ પારાશર્ય, નિશીથ ભટ્ટ, પીયુશ પંડ્યા, ધીરેન પંડ્યાના રોમેરોમમાં ભાવનગર નામનો પવન મોસમ પ્રમાણે વિહરી રહ્યો છે. ભાવનગરની બહાર વસતા લોકો વર્ષમાં બે વાર તો કોઈને કોઈ કારણોસર નગરમાં પ્રવેશ કરતા હોય છે અને અહીંયા વિતાવેલા વર્ષોને મિત્રો સાથે સજીવ કરી ગાંઠીયા અને પેંડા લઈ વિદાય લેતા હોય છે! અને આ બધા જ એકસૂરે કહેતા હોય છે કે ભાવનગર એ ભાવનગર !

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *