PPE કિટ પહેરીને મૃત્યુ પામેલા વ્યક્તિના શબનો અગ્નિસંસ્કાર કરવાની જગ્યાએ નદીમાં ફેંક્યો, વીડિયો થયો વાઈરલ
ગંગા નદીમાંથી મળી રહેલી લાશોના પગલે ઉત્તરપ્રદેશ સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે. જોેકે ઉત્તરપ્રદેશના બલરામપુરમાં કોરોનાથી મૃત્યુ પામેલા એક વ્યક્તિના શબનો અગ્નિસંસ્કાર કરવાની જગ્યાએ પરિવારના સભ્યોએ તેને રાપ્તી નદીમાં ફેંકી દીધુ હતું. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. તેમાં PPE કિટ પહેરેલા બે લોકો શબને પુલમાંથી નદીમાં ફેંકતા દેખાઈ રહ્યાં છે.
આ ઘટના કોતાવલી વિસ્તારમાં રાપ્તી નદી પર બનાવવામાં આવેલા રિસાઈ ઘાટ પુલની છે. શબને રાપ્તી નદીમાં ફેંકવા દરમિયાન ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરીને એક વીડિયો બનાવ્યો હતો. જે હવે વાઈરલ થયો છે.
બંને આરોપીઓની વિરુદ્ધ કેસ દાખલ:-શબ ફેંકનાર બંને વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે. આ મૃતકના પરિવારના જ સભ્યો છે. આ પૈકી એક હેલ્થ વર્કર હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી છે. આ બંનેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે સવાલ એ છે કે આ તો માત્ર એક જ વીડિયો છે, જેમાં ખ્યાલ આવી ગયો કે શબને ફેંકવામાં આવી રહ્યું છે. શું બીજા શબોને પણ આ જ રીતે ફેંકવામાં આવી રહ્યાં છે? આ વાતનો જવાબ મળવાનો હજી બાકી છે.
બે દિવસ પહેલાની છે ઘટના:-સીએમઓ ડો.વિજય બહાદુર સિંહે જણાવ્યું કે રાપ્તી નદીમાં ફેંકવામાં આવેલું શબ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢના રહેવાસી પ્રેમનાથ મિશ્રનું છે. 25 મેના રોજ કોરોનાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 28 મેના રોજ સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ થયું હતું.
તે પછી કોવિડના પ્રોટોકોલ મુજબ શબને પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યુ હતું. જોકે શબને નદીમાં ફેંકવાનુ જાણવા મળતા કોતવાલી નગરમાં મહામારી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.