પોતાની બીમારી સામે લડી રહેલા મહાભારત ના ‘ભીમ’ એવા પ્રવીણ કુમારે દુનિયાને અલવિદા કર્યું! જાણો આ અભિનેતાના તમામ સફળ પાત્રો અને જીવનશૈલી વિશે
ફેમસ સીરિયલ ‘મહાભારત’માં ‘ભીમ’નું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પંજાબના રહેવાસી પ્રવીણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.
ભીમના પાત્રથી લોકપ્રિયતા મળી. ‘મહાભારત’માં ભીમના રોલમાં પ્રવીણ કુમાર સોબતીને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ઉંચા પ્રવીણ કુમાર સોબતીએ પોતાના અભિનયથી ભીમના પાત્રમાં પ્રાણ ફૂંક્યા. આ સિરિયલથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. અભિનયમાં જોડાતા પહેલા પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રો એથલીટ હતા.
તેણે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો હતો. તેણે એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમતની દુનિયામાં નામ કમાયા બાદ તેને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની નોકરી પણ મળી ગઈ હતી, પરંતુ થોડા વર્ષો પછી પ્રવીણ કુમાર સોબતીએ અભિનય કરવાનું મન બનાવી લીધું અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.
પ્રવીણ કુમાર સોબતી બીમાર ચાલતા હતા.ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રવીણ કુમારે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી જેના કારણે તેઓ ઘરે જ રહે છે. તેમને ખાવાપીવામાં અનેક પ્રકારના ત્યાગ કરવા પડ્યા છે. તેની પત્ની વીણા ઘરમાં તેની સંભાળ રાખે છે. પ્રવીણ કુમારે પેન્શનને લઈને પંજાબ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
તેણે કહ્યું હતું કે પંજાબમાં આવેલી તમામ સરકારોથી તેને ફરિયાદો છે. તમામ એશિયન ગેમ્સ કે મેડલ વિજેતાઓને પેન્શન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમને પેન્શન આપવામાં આવ્યું ન હતું. તે એકમાત્ર એથ્લેટ હતો જેણે કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમ છતાં પેન્શનના મામલે તેની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું. પ્રવીણ કુમાર સોબતી આ ફરિયાદને લઈને ખૂબ ચર્ચામાં હતા.